Russia Ukraine War : યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. હવે યુક્રેને રશિયાની સૌથી ઊંચી ઈમારત પર હુમલો કર્યો છે. રશિયાની સૌથી ઊંચી ઇમારત વોલ્ગા સ્કાય પર યુક્રેન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ ઇમારત 38 માળની છે અને તે રશિયાની સૌથી ઊંચી ઇમારત છે. આ બિલ્ડિંગમાં ઘણી કંપનીઓની ઓફિસ છે. આ ઘટના સેરાટોવની જણાવવામાં આવી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા હતા
હુમલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં યુક્રેનિયન ડ્રોન ઝડપથી ઈમારત સાથે અથડાઈ રહ્યું છે. ડ્રોન બિલ્ડીંગ સાથે અથડાતાંની સાથે જ આગની જ્વાળાઓ ઉછળતી જોવા મળે છે. આ ઘટના બાદ રશિયા આઘાતમાં છે. આ ઘટનામાં બે લોકો ઘાયલ પણ થયા છે. પ્રાદેશિક રાજ્યપાલે પણ આ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે, હુમલામાં ઘાયલ એક મહિલાની હાલત ગંભીર છે. આ હુમલામાં અન્ય એક વ્યક્તિ પણ ઘાયલ થઈ છે.
રશિયા યુક્રેન યુદ્ધને 2 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. થોડા દિવસો પહેલા જ યુક્રેનની સેનાએ રશિયાના કુસાર્ક વિસ્તારમાં હુમલો કર્યો હતો અને કેટલાય કિલોમીટર સુધી ઘૂસણખોરી કરી હતી. આ પછી રશિયાએ પણ યુક્રેન પર હુમલા તેજ કર્યા. છેલ્લા કેટલાક દિવસોમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ઉગ્ર બન્યું છે.
આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે, રશિયાએ યુક્રેન પર પણ બોમ્બમારો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમવારે સવારે 8:30 વાગ્યે યુક્રેનના ઘણા વિસ્તારોમાં વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રશિયાના 11 ફાઈટર પ્લેન્સે યુક્રેન પર બોમ્બમારો કર્યો છે. જો કે યુક્રેનની વાયુસેનાએ કહ્યું છે કે, 11 નહીં પરંતુ 6 વિમાનોએ બોમ્બમારો કર્યો છે.
પીએમ મોદીએ યુક્રેનની મુલાકાત લીધી હતી
ગયા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીને મળ્યા હતા. આ પછી પત્રકારો સાથે વાત કરતા ઝેલેન્સકીએ કહ્યું કે, બીજી યુક્રેન શાંતિ સમિટ ભારતમાં યોજવી જોઈએ. પ્રથમ સમિટ સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાઈ હતી, જે નિષ્ફળ ગઈ હતી.





