Russia Ukraine War: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે સંભવિત શાંતિ મંત્રણા પર મોટું નિવેદન આપ્યું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર તેમણે કહ્યું છે કે ભારત, ચીન અને બ્રાઝીલ યુક્રેન પર સંભવિત શાંતિ મંત્રણામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે.
રોયટર્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત, ચીન અને બ્રાઝીલ યુક્રેન સાથે સંભવિત શાંતિ મંત્રણામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન યુદ્ધના પ્રારંભિક સપ્તાહમાં ઇસ્તંબુલમાં થયેલી વાતચીતમાં રશિયન અને યુક્રેનના વાર્તાકારો વચ્ચે પ્રાથમિક સમજૂતી થઈ હતી. આ સમજૂતી, જેનો ક્યારેય અમલ કરવામાં આવ્યો નથી, તે બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણાનો આધાર બની શકે છે.
પીએમ મોદી જુલાઇમાં રશિયાના પ્રવાસે ગયા હતા
પીએમ મોદી જુલાઇ મહિનામાં રશિયાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગળે મળતી તસવીરની ઘણી ચર્ચા થઇ હતી. આ પ્રવાસમાં પીએમ મોદીએ કહ્યું હતું કે યુદ્ધના મેદાનમાં શાંતિનો રસ્તો નીકળતો નથી.
આ પણ વાંચો – કેમ એક્ટ ઇસ્ટ પોલિસી અંતર્ગત ભારત માટે મહત્વનો છે આ દેશ
પીએમ મોદી ઓગસ્ટમાં યુક્રેનના પ્રવાસે ગયા હતા
પીએમ નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસ પછી 23 ઓગસ્ટના રોજ યુક્રેનના પ્રવાસે ગયા હતા. તે પોલેન્ડથી ટ્રેન દ્વારા યુક્રેન પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે સમાધાનનો રસ્તો વાતચીતથી જ નીકળે છે અને આપણે સમય ગુમાવ્યા વગર આ દિશામાં આગળ વધવું જોઈએ.
ભારત રશિયા અને યુક્રેનને યુદ્ધ રોકીને શાંતિની અપીલ કરી રહ્યું છે. ભારત આ મામલામાં જલ્દીથી જલ્દી શાંત કરાવવાના પક્ષમાં છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે શાંતિના પ્રયત્નમાં ભારત સક્રિય ભૂમિકા નિભાવવા તૈયાર છે.





