India-Russia: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા પર 25 ટકા વધારાનો ટેરિફ લગાવ્યો હતો. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો વધુ પ્રતિબંધો લાદવામાં આવશે. આ દરમિયાન ભારત અને રશિયાની મિત્રતા વધુ મજબૂત બની રહી છે. થોડા દિવસ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી. હવે 21 ઓગસ્ટે પુતિને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી છે. બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ?
જયશંકર અને પુતિન વચ્ચેની બેઠકમાં બંને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધો વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જયશંકરે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવ સાથે એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે અમારું માનવું છે કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના સૌથી સ્થિર સંબંધોમાંના એક રહ્યા છે. ભૂ-રાજકીય સમન્વય, નેતૃત્વ સંપર્ક અને લોકપ્રિય ભાવનાઓ તેના મુખ્ય કારણો છે.
મીડિયા સાથે વાતચીત દરમિયાન જયશંકરને ટ્રમ્પ ટેરિફ વિશે પૂછવામાં આવ્યું હતું. તેના જવાબમાં જયશંકરે કહ્યું કે ભારત અમેરિકાના તર્કને સમજી શકતું નથી. અમેરિકાનો આરોપ છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે, જેનો ફાયદો રશિયાને થઇ રહ્યો છે અને તે યૂક્રેન વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યું છે.
અમેરિકાએ પોતે જ રશિયા પાસેથી તેલ ખરીદવાનું કહ્યું: જયશંકર
જયશંકરે અમેરિકાના આરોપોના જવાબમાં કહ્યું કે અમેરિકાએ પોતે જ અમને કહ્યું હતું કે વૈશ્વિક ઉર્જા બજારને સ્થિર રાખવા માટે આપણે રશિયા પાસેથી તેલ ખરીદવું જોઈએ. અમે અમેરિકા પાસેથી પણ તેલ ખરીદીએ છીએ અને તેમાં પણ સતત વધારો થયો છે. તેથી આપણે તેમના તર્કને જરા પણ સમજી શકતા નથી.
આ પણ વાંચો – રશિયાના દૂતાવાસે કહ્યું – ભારત એક વૈશ્વિક શક્તિ છે, બન્ને દેશ એકબીજા માટે ઘણું મહત્વ રાખે છે
જયશંકરે કહ્યું કે બીજા વિશ્વ યુદ્ધ બાદ ભારત-રશિયાના સંબંધો વિશ્વમાં સૌથી સ્થિર રહ્યા છે. જયશંકર ત્રણ દિવસના રશિયાના પ્રવાસે છે. તેમણે વેપાર, આર્થિક, વૈજ્ઞાનિક, ટેકનોલોજીકલ અને સાંસ્કૃતિક સહકાર પર ભારત-રશિયા આંતર-સરકારી પંચ (આઇઆરઆઇજીસી-ટીઇસી)ના 26માં સત્રની અધ્યક્ષતા કરી હતી અને મોસ્કોમાં ઇન્ડિયા-રશિયા બિઝનેસ ફોરમને સંબોધન કર્યું હતું.