Russian strike hits passenger train in Ukraine : રશિયાએ યુક્રેનના ઉત્તરીય ક્ષેત્ર સુમીમાં એક ભીષણ હવાઈ હુમલો કર્યો છે. રશિયન હુમલાઓ એક પેસેન્જર ટ્રેન અને એક રેલવે સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આ હુમલાને ક્રૂર ગણાવ્યો હતો. સ્થાનિક ગવર્નર ઓલેહ હ્રીહોરોવે કહ્યું કે રશિયાએ હુમલામાં શોસ્ટકા રેલવે સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યું હતું. તે સમયે શોસ્ટકાથી કિવ જતી ટ્રેનને પણ ડ્રોને હિટ કરી હતી.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વીડિયો શેર કર્યો
રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં એક ટ્રેનનો કોચ આગમાં લપેટાયેલો જોવા મળે છે અને બારીઓ તૂટી ગયેલી દેખાઈ રહી છે. તેમણે કહ્યું હતું કે રશિયાએ સુમી પ્રદેશના શોસ્ટકા રેલવે સ્ટેશન પર ડ્રોન હુમલો કર્યો હતો. બધી કટોકટી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને લોકોને મદદ કરી રહી છે.
સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલા સમયે ટ્રેનમાં યુક્રેન રેલવેના કર્મચારીઓ અને મુસાફરો બંને હતા. બચાવ કાર્યકરો ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે, જ્યારે ઘાયલોની ચોક્કસ સંખ્યા કેટલી છે તે સર્ચ કરવામાં આવી રહ્યું છે.
રશિયન હુમલાઓ સતત વધી રહ્યા છે
રશિયા એર સ્ટ્રાઇક દ્વારા છેલ્લા બે મહિનાથી યુક્રેનના રેલવે માળખાને સતત નિશાન બનાવી રહ્યું છે. રશિયા લગભગ દરરોજ યુક્રેનના પરિવહન નેટવર્ક પર હુમલો કરી રહ્યું છે. એક દિવસ પહેલા જ રશિયાએ યુક્રેનની રાજ્ય ગેસ અને તેલ કંપની નાફ્ટોગેજના સ્થળો પર 35 મિસાઇલો અને 60 ડ્રોન છોડ્યા હતા. આ હુમલા ખારકીવ અને પોલ્ટાવા પ્રદેશોમાં થયા હતા.
આ પણ વાંચો – PoK માં માનવાધિકારના ભંગ માટે ભારતના વિદેશ મંત્રાલયે શું કહ્યું
નાફ્ટોગેજના સીઈઓ સેર્ગેઈ કોરેત્સ્કીના જણાવ્યા અનુસાર આ અત્યાર સુધીનો સૌથી મોટો બોમ્બમારો હતો, જેનાથી ગેસ ઉત્પાદન પર ગંભીર અસર પડી હતી. આ હુમલાથી આશરે 8,000 ગ્રાહકોનો વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. અમારા ઘણા પ્લાન્ટને ભારે નુકસાન થયું હતું.
રશિયાના રક્ષા મંત્રાલયે પુષ્ટિ આપી હતી કે તેમની સેનાઓએ યુક્રેનના ગેસ અને ઊર્જા માળખા પર મોટા પાયે હુમલાઓ શરૂ કર્યા હતા. રશિયાએ લશ્કરી-ઔદ્યોગિક સ્થળોને નિશાન બનાવવાનો પણ દાવો કર્યો હતો. જેમ જેમ શિયાળો નજીક આવી રહ્યો છે તેમ રશિયાએ યુક્રેનના એનર્જી સ્ટ્રક્ચર પર હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે, જેના કારણે ઘણા પ્રદેશોમાં લાંબા સમય સુધી બ્લેકઆઉટ થઈ રહ્યો છે.





