મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં એસ જયશંકર ફરી એકવાર વિદેશ મંત્રી બન્યા છે. સતત ત્રીજી મુદત માટે કાર્યભાર સંભાળતી વખતે તેમણે કહ્યું હતું કે, તેમની પ્રાથમિકતાઓમાં ચીન સાથેના ભારતના સીમા વિવાદને ઉકેલવા અને સરહદ પર પાકિસ્તાન દ્વારા વર્ષોથી ચાલી રહેલા આતંકવાદનો અંત લાવવા તરફ ખાસ ધ્યાન રહેશે.
કેન્દ્રીય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, “ચીનના સંદર્ભમાં અમારું ધ્યાન ચાલુ સરહદી મુદ્દાઓનું સમાધાન શોધવા પર રહેશે જે હાલ પણ ચાલુ છે. પાકિસ્તાન સાથે અમે આતંકવાદના વર્ષો જૂના મુદ્દાનું સમાધાન શોધવા માંગીએ છીએ. એસ જયશંકરે કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિદેશ નીતિ ઘણી સફળ થશે.
શું છે વિદેશ મંત્રાલયની યોજના?
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ભારતના કાયમી સભ્યપદનો ઉલ્લેખ કરતા એસ જયશંકરે કહ્યું કે, વિશ્વમાં એવી લાગણી છે કે, ભારતને UNSC સ્થાન મળવું જોઈએ પરંતુ દેશે આ વખતે તેના માટે સખત મહેનત કરવી પડશે. તેમણે કહ્યું કે, વર્તમાન નેતૃત્વ વિશ્વમાં દેશની ઓળખ વધારશે.
એસ જયશંકરે કહ્યું કે, દેશમાં અને ખાસ કરીને લોકશાહીમાં સરકાર સતત ત્રીજી વખત સત્તામાં આવે તે મોટી વાત છે. આનાથી વિશ્વને સંદેશ જશે કે, ભારતમાં વધુ સારી રાજકીય સ્થિરતા છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાન અને ચીનનો સંબંધ છે, તે દેશો સાથેના સંબંધો અલગ છે અને ત્યાંની સમસ્યાઓ પણ અલગ છે.
સમગ્ર વિશ્વમાં ભારતના પ્રભાવ અને ધારણા વિશે વાત કરતા એસ જયશંકરે કહ્યું, “અમારા માટે, ભારતનો પ્રભાવ સતત વધી રહ્યો છે. આપણી પોતાની નજરમાં જ નહીં પણ દુનિયાની નજરમાં પણ એ જ છે. તેઓને લાગે છે કે, ભારત ખરેખર તેમનો મિત્ર છે અને તેઓએ જોયું છે કે, કટોકટીના સમયમાં જો કોઈ એક દેશ છે જે ગ્લોબલ સાઉથ સાથે ઉભો છે, તો તે ભારત છે.”
આ પણ વાંચો – Modi Cabinet 2024 Ministers – Ministries : મોદી સરકાર કેબિનેટ મંત્રીઓ : કોને કયું મંત્રાલય મળ્યું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
ત્રીજી વખત વિદેશ મંત્રાલયનો કાર્યભાર સંભાળવા અંગે તેમણે કહ્યું કે, “વિદેશ મંત્રાલયના નેતૃત્વની જવાબદારી ફરી એકવાર સોંપવી એ ખૂબ જ સન્માનની વાત છે.”