S Jaishankar on Terrorism | આતંકવાદ પર એસ જયશંકર : આતંકવાદ પર ભારતનું વલણ કેટલું કડક રહ્યું છે, તે 2016 ની સર્જિકલ સ્ટ્રાઇક અને 2019 ની બાલાકોટ એર સ્ટ્રાઇકથી જ સમજી શકાય છે. આ દરમિયાન હવે વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકીઓ પર કાર્યવાહી અંગે કહ્યું કે, આતંકીઓને મારવામાં કોઈ નિયમ ન હોવા જોઈએ કારણ કે, તેઓ પોતે કોઈપણ પ્રકારના નિયમો અને કાયદાઓનું પાલન કરતા નથી કે માનતા પણ નથી.
ભારતની વિદેશ નીતિમાં 2014 થી મોટો ફેરફાર થયો છે અને આતંકવાદનો સામનો કરવાનો આ યોગ્ય રસ્તો છે, એમ વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, જ્યારે આતંકવાદીઓ નિયમોને ગણતા નથી, તો પછી તેમના પરનો વળતો હુમલો નિયમો હેઠળ કેવી રીતે હોઈ શકે?
પુણેમાં પોતાના પુસ્તક ‘વ્હાય ભારત મેટર્સ’ના એક કાર્યક્રમ દરમિયાન એસ જયશંકરે કહ્યું છે કે, આ મામલે કોઈ નિયમોનું પાલન ન થાય તો પણ ચાલે. તેમણે કહ્યું કે, જ્યાં પણ આતંકીઓ દેખાય છે, તેમને તક મળતા જ તેમને મારી નાખવા જોઈએ.
પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો સૌથી મુશ્કેલ છે
ખાસ વાત એ છે કે, આ કાર્યક્રમ દરમિયાન એસ જયશંકરને એ પણ પૂછવામાં આવ્યું હતું કે, ભારતને કયા દેશો સાથે કૂટનીતિક સંબંધો સ્થાપિત કરવામાં સૌથી વધુ સમસ્યા છે. જયશંકરે આ સવાલના જવાબમાં પાકિસ્તાનનું નામ લીધું ન હતું પરંતુ કહ્યું હતું કે, તે દેશ પડોશી છે.
કાશ્મીર વિવાદ પર મોટું નિવેદન
એસ જયશંકરે કહ્યું કે, 1947 માં પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો હતો. ભારતીય સૈન્યએ તેમનો સામનો કર્યો અને રાજ્ય ભારતમાં ભળી ગયું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે ભારતીય સેના કાર્યવાહી કરી રહી હતી ત્યારે આપણે અટકી ગયા હતા અને સંયુક્ત રાષ્ટ્ર (યુએન) માં ગયા હતા અને હુમલાખોરોને આતંકવાદીઓના બદલે આદિવાસી ઘૂસણખોર ગણાવ્યા હતા.
આ પણ વાંચો – ઉત્તરાખંડમાં પીએમ મોદીએ કહ્યું – હવે આતંકીઓને ઘરમાં ઘુસીને મારવામાં આવે છે
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, જો ભારતે શરૂઆતથી જ સ્પષ્ટ કરી દીધું હોત કે, પાકિસ્તાન આતંકવાદનો ઉપયોગ કરી રહ્યું છે તો અમારી નીતિ ઘણી અલગ હોત. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આતંકવાદને કોઇ પણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં.