Salman khan house firing case, સલમાન ખાન ઘર ફાયરિંગ કેસ : મુંબઈ પોલીસે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બંને શૂટરોની ધરપકડ કરી લીધી છે. બંને શૂટરોની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોડી રાત્રે આ સફળતા મળી હતી. શંકાને સમર્થન આપતાં મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે શકમંદો ગુજરાતના ભુજ જિલ્લામાંથી પકડાયા હતા, ધરપકડ કરાયેલા વ્યક્તિઓ અંગેની વધારાની વિગતો પોલીસ ટૂંક સમયમાં જાહેર કરશે.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના બાદ મુંબઈથી ભાગી ગયેલા બે શકમંદોની ગુજરાતના ભુજ શહેરમાં ધરપકડ કરવામાં આવી છે અને તેઓને વધુ પૂછપરછ માટે મંગળવારે મુંબઈ પરત લાવવામાં આવશે. ધરપકડ કરાયેલા શકમંદોની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે.
શું છે સલમાન ખાન ઘર ફાયરિંગ કેસ?
રવિવારે સવારે લગભગ 5 વાગ્યે બાંદ્રામાં ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બાઇક પર સવાર બે લોકોએ ગોળીબાર કર્યો હતો. સલમાન ખાન આ એપાર્ટમેન્ટમાં રહે છે, ઘટના સમયે અભિનેતા ઘરે હતો. હવામાં ફાયરિંગ કરીને બંને આરોપીઓ નાસી છૂટ્યા હતા. પોલીસે નજીકમાં હાજર સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને બંને આરોપીઓની ઓળખ થઈ.
આ પણ વાંચોઃ- સલમાન ખાન ફાયરિંગ કેસ, ઘર બહાર થયેલા ગોળીબારમાં સામેલ રોહિત ગોદરા કોણ છે? જાણો ક્રિમિનલ હિસ્ટ્રી

જણાવવામાં આવી રહ્યું છે કે ગોળીબાર બાદ શકમંદોએ પોતાની બાઈક એક ચર્ચ પાસે છોડી દીધી, થોડે દૂર ચાલ્યા અને પછી બાંદ્રા રેલવે સ્ટેશન પહોંચવા માટે ઓટોરિક્ષા લીધી. ત્યાંથી તેઓ સાંતાક્રુઝ સ્ટેશન જવા માટે ટ્રેનમાં ચડી અને બીજી ઓટોરિક્ષા ભાડે કરી.
સલમાન ખાન ઘર ફાયરિંગ કેસની જવાબદારી લોરેન્સ બિશ્નોઈના ભાઈએ લીધી
જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાની જવાબદારી લેતા અનમોલે તેને ટ્રેલર ગણાવ્યું હતું.





