Ramgopal Yadav Controversial Statement : વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ ઓપરેશન સિંદૂર બાદ ચર્ચામાં આવ્યા હતા. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભા સાંસદ રામ ગોપાલ યાદવે તેમના વિશે વિવાદિત નિવેદન આપ્યું છે. રામ ગોપાલ યાદવે વ્યોમિકા સિંહ વિશે જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કર્યો છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ન્યૂઝ એજન્સી આઈએએનએસ અનુસાર રામ ગોપાલ યાદવે કહ્યું કે પાકિસ્તાન માની શકે નહીં. જ્યારે સીઝફાયર થયું ત્યારે દરેકના મનમાં એ વાત હતી કે પાકિસ્તાન તેનો સ્વીકાર નહીં કરે. તમે જુઓ કે દરરોજ આતંકવાદીઓને મારવામાં આવે છે કે નહીં. આ બધા પાકિસ્તાનથી આવી રહ્યા છે. આ લોકો માત્ર તિરંગા યાત્રા કાઢી રહ્યા છે. તેઓ માત્ર ચૂંટણી માટે જ આવું કરે છે. તમામ રાજકીય પક્ષોને વિશ્વાસમાં લો. જે લોકો ત્યાં લડી રહ્યા હતા તેઓ ભાજપના લોકો હતા. લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરૈશીને તેમના મંત્રીઓ ગાળો આપે છે. હાઈકોર્ટે એફઆઈઆર કરવાનો આદેશ આપ્યો છે.
રામ ગોપાલ યાદવનું વિવાદિત નિવેદન
સપાના સાંસદે સૌથી પહેલા તો વ્યોમિકા સિંહનું નામ દિવ્યા સિંહ લીધું હતું. આ પછી તેમણે સૈન્ય અધિકારી વ્યોમિકા સિંહની જાતિનો ઉલ્લેખ કરતી વખતે તેમને હરિયાણાની જાટવ કહ્યા હતા અને ત્યારબાદ તેમણે જાતિવાદી શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
તે આટલેથી અટક્યા નહીં પરંતુ એમ પણ કહ્યું કે એર માર્શલ એ.કે.ભારતી પૂર્ણિયાના યાદવ છે. ત્રણેય પીડીએ સેગમેન્ટથી હતા. એકને ગાળો એટલા માટે આપવામાં આવી કારણ કે તેમને લાગ્યું કે તે મુસ્લિમ છે, એકને રાજપૂત સમજવામાં આવી હતી, તેથી કંઇ કહેવામાં આવ્યું ન હતું અને બીજા વિશે તેમને કોઈ ખ્યાલ નથી.
જનતા આ વિકૃત જાતિવાદી વિચારને જવાબ આપશે – યોગી આદિત્યનાથ
આ નિવેદન પર ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે સેનાની વર્દીને ‘જાતિવાદી ચશ્માથી’ જોવામાં આવતી નથી. ભારતીય સેનાનો દરેક સૈનિક ‘રાષ્ટ્રધર્મ’ નિભાવે છે અને તે કોઈ જાતિ કે ધર્મનો પ્રતિનિધિ નથી.
આ પણ વાંચો – ડોનાલ્ડ ટ્રમ્પે ટીમ કુકને કહ્યું – ભારતમાં આઈફોન બનાવવાની જરૂર નથી, અમેરિકામાં પ્રોડક્શન વધારો
યોગી આદિત્યનાથે આગળ કહ્યું કે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ દ્વારા એક વીરાંગના દીકરીને જાતિના દાયરામાં બાંધવાનું કાર્ય માત્ર તેમની પાર્ટીની સંકુચિત માનસિકતાનું પ્રદર્શન જ નથી પરંતુ સેનાની બહાદુરી અને દેશની અસ્મિતાનું ઘોર અપમાન પણ છે. આ એ જ માનસિકતા છે જે તુષ્ટિકરણ અને વોટ બેંકના રાજકારણના નામે રાષ્ટ્રભક્તિને પણ વિભાજીત કરવાની હિંમત કરે છે. જનતા ફરી એકવાર આ વિકૃત જાતિવાદી વિચારને જવાબ આપશે.