Sambhal Masjid Controversy: સંભલની જામા મસ્જિદને લઈને હિંદુ પક્ષની અરજી પર નીચલી કોર્ટે એએસઆઈ પાસેથી સર્વે કરવાનો આદેશ આપ્યો હતો, જેના કારણે સંભલમાં હિંસા અને વિવાદ થયો હતો. આ સાથે જ અજમેર દરગાહને લઇને કરવામાં આવેલી અરજીને પણ નીચલી કોર્ટે સ્વીકારી લીધી છે. આ અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે મુસ્લિમ સંગઠન ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પૂર્વ સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડના નિર્ણયોને જવાબદાર ગણાવ્યા છે.
સંભલની જામા મસ્જિદથી અજમેર દરગાહ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને સમાજવાદી પાર્ટીના ઘણા સાંસદોએ પૂર્વ સીજેઆઈ પર નિશાન સાધ્યું છે. બંનેનું કહેવું છે કે 2023માં ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેંચે જ્ઞાનવાપી કેસમાં સર્વે માટેની અરજીને મંજૂરી આપીને વિવાદને વેગ આપ્યો હતો.
સપા સાંસદે વિવાદો માટે પૂર્વ સીજેઆઈને જવાબદાર ઠેરવ્યા
સમાજવાદી પાર્ટીના નેતા ઝિયા-ઉર-રહેમાન બર્ક અને મોહિબુલ્લા નદવીએ કહ્યું કે ચંદ્રચૂડનો નિર્ણય ખોટો હતો. આનાથી વધુ સર્વે અરજીઓ માટેનો માર્ગ ખુલ્યો છે. સુપ્રીમ કોર્ટે આની નોંધ લેવી જોઈએ અને આવા સર્વેક્ષણો બંધ કરવા જોઈએ. સમાજવાદી પાર્ટીના સાંસદે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે આ વિવાદોની નોંધ લેવી જોઈએ અને આવા સર્વેક્ષણોને રોકવાનો આદેશ આપવો જોઈએ. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને આવી અરજીઓ ન સ્વીકારવાનો નિર્દેશ આપવો જોઈએ.
AIMPLBએ આપ્યું મોટું નિવેદન
આ મામલે મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ નિવેદન જાહેર કરીને કહ્યું કે આ નિર્ણય પૂજા સ્થળ અધિનિયમ 1991ની ભાવના વિરુદ્ધ છે. બોર્ડે કહ્યું છે કે બાબરી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટે આ કાયદાને ટાંકીને કહ્યું હતું કે 15 ઓગસ્ટ 1947 મુજબ કોઈ પણ પૂજાસ્થળની સ્થિતિ બદલી શકાય નહીં, પરંતુ જ્ઞાનવાપી કેસમાં કોર્ટે સર્વેની મંજૂરી આપીને પોતાની સ્થિતિ નરમ કરી હતી.
આ પણ વાંચો – ભારતની વિવાદાસ્પદ મસ્જિદો : અજમેર દરગાહ-સંભલ સિવાય આ મસ્જિદોને લઈને પણ વિવાદ છે
ઓવૈસીએ કહ્યું- આ સર્વેનો હેતુ શું છે?
આ વિવાદ અંગે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને વિપક્ષનું કહેવું છે કે આ સર્વેથી સાંપ્રદાયિક તણાવ વધી શકે છે. આ મામલે એઆઈએમઆઈએમ ચીફ અને હૈદરાબાદથી લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે 1991ના કાયદા મુજબ પૂજા સ્થળની સ્થિતિ બદલી શકાય નહીં. આવી સ્થિતિમાં આ સર્વેક્ષણોનો હેતુ શું છે?
હિન્દુ પક્ષના વકીલે શું કહ્યું?
હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે 1991નો કાયદો એએસઆઇ દ્વારા સંરક્ષિત સ્થળો પર લાગુ પડતો નથી. તેમણે 1950ના પ્રાચીન સ્મારક અધિનિયમનો હવાલો આપ્યો હતો.
તેમણે કહ્યું હતું કે જો કોઈ સ્મારક ધાર્મિક સ્થળ છે, તો એએસઆઈ તેની ધાર્મિક પ્રકૃતિ નક્કી કરશે. આ પછી, એએસઆઈ નિયત પ્રકૃતિના આધારે સમુદાયને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપશે.





