Sanjiv Khanna New CJI Supreme Court: સુપ્રીમ કોર્ટના સિનિયર જજ જસ્ટિસ સંજીવ ખન્ના નવા ચીફ જસ્ટિસ બન્યા છે. ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ નિવૃત થતાં સંજીવ ખન્ના દેશના 51મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે એમને પદના શપથ લેવડાવ્યા છે. સંજીવ ખન્ના આગામી છ મહિના સુધી એટલે કે 13 મે 2025 સુધી ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત રહેશે.
કોણ છે નવા ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના
જસ્ટિસ સંજીવ ખન્ના દિલ્હીના રહેવાસી છે. તેમનો જન્મ 14 મે 1960ના રોજ દિલ્હી ખાતે થયો હતો. તેમના પિતા જસ્ટિસ દેવ રાજ ખન્ના દિલ્હી હાઇકોર્ટમાં પૂર્વ જસ્ટિસ હતા. તેમણે 1980માં દિલ્હી યૂનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું હતું અને ત્યાર બાદ ડીયૂ કેમ્પસ લો સેન્ટરમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો.
સંજીવ ખન્ના એ વકીલાત ક્યારે શરુ કરી
સંજીવ ખન્નાએ કાયદાનો અભ્યાસ કર્યા બાદ 1983માં દિલ્હી બાર કાઉન્સિલમાં વકીલ તરીકે જોડાયા હતા. તેમણે દિલ્હીના તીસ હજારી કોર્ટમાં વકીલાતની શરુઆત કરી હતી અને બાદમાં તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પ્રેક્ટિસ શરુ કરી હતી. જસ્ટિસ ખન્ના એવા ખાસ જસ્ટિસ પૈકીના છે કેમ જેઓ કોઇ હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બન્યા પહેલા જ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બન્યા છે.
ચીફ જસ્ટિસ શપથ શું હોય છે?
દેશના ચીફ જસ્ટિસને હોદ્દો સંભાળતા પૂર્વે રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના શપથની વાત કરીએ તો એમાં લખ્યું હોય છે કે, હું ભારતના સુપ્રીમ કોર્ટના સીજેઆઇ નિયુક્ત થયો છું અને ઇશ્વરની શપથ લઉં છું કે હું વિધિ દ્વારા સ્થાપિત ભારતના બંધારણ પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ. પોતાની યોગ્યતા, જ્ઞાન અને વિવેક અનુસાર વિવિધત અને ઇમાનદારીથી તેમજ કોઇ પણ ભય કે પક્ષપાત વગર પોતાના પદના કર્તવ્યોનું પાલન કરીશ.





