Saudi Arabia Sleeping Prince passes away : દુનિયાભરમાં સ્લીપિંગ પ્રિન્સ નામથી પ્રખ્યાત સાઉદી અરેબિયાના પ્રિન્સ અલ-વલીદ બિન ખાલિદ બિન તલાલ અલ સઉદનું શનિવારે 35 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. ક્રાઉન પ્રિન્સ અલ-વલીદ છેલ્લા 20 વર્ષથી કોમામાં હતા. આ કારણે અલ-વલીદ બિન ખાલિદને સ્લીપિંગ પ્રિન્સ તરીકે પણ ઓળખવામાં આવતા હતા.
2005માં લંડનમાં એક કાર અકસ્માતમાં અલ-વલીદ બિન ખાલિદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. માથામાં ગંભીર ઈજા થતાં અલ-વલીદ કોમામાં ગયા હતા.
પરિવારે પુષ્ટિ કરી
સાઉદી પ્રિન્સ અલ-વલીદ બિન ખાલિદ બિન તલાલનું 35 વર્ષની વયે નિધન થયું છે. તેમના પરિવારે આ વાતની પુષ્ટિ કરી છે. 15 વર્ષની વયે કોમામાં ગયેલા પ્રિન્સ અલ-વલીદે કોમામાં જ દુનિયાને અલવિદા કહ્યું છે.
યુવરાજના નિધન પર તેમના પિતાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે ખુદાની ઇચ્છા અને તેમના આદેશમાં વિશ્વાસ રાખનાર હૃદય અને દુ:ખ સાથે અમે અમારા પ્રિય પુત્ર, પ્રિન્સ અલ-વલીદ બિન ખાલિદ બિન તલાલ બિન અબ્દુલઅતીઝ અલ સઉદ માટે શોક મનાવીએ છીએ, ખુદા તેના પર દયા કરે, જેમનું આજે નિધન થયું છે.
લંડનમાં અભ્યાસ કરતી વખતે અકસ્માત થયો હતો
યુવરાજ અલવલીદ જ્યારે 15 વર્ષના હતા ત્યારે લંડનની એક લશ્કરી કોલેજમાં અભ્યાસ કરતી વખતે કાર અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માતમાં યુવરાજના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેના કારણે તેમના મગજમાં આંતરિક રક્તસ્ત્રાવ થયો હતો અને તેઓ કોમામાં ગયા હતા. બાદમાં યુવરાજને રિયાધની કિંગ અબ્દુલઅઝીઝ મેડિકલ સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ 20 વર્ષ સુધી મેડિકલ સપોર્ટ પર રહ્યા હતા. આ સમય દરમિયાન, તેમના શરીરમાં એક કે બે વાર હલનચલન જોવા મળી હતી, પરંતુ વિશ્વભરના નિષ્ણાતોને બતાવવા છતાં તે કોમામાંથી બહાર આવી શક્યા ન હતા.
આ પણ વાંચો – બાંગ્લાદેશ વાયુસેનાનું વિમાન સ્કૂલ પર ક્રેશ, 19 લોકોના મોત, 100 થી વધુ ઘાયલ
યુવરાજના પિતા, પ્રિન્સ ખાલેદ બિન તલાલ તેમના પુત્રનો જીવ બચાવવાનો પ્રયાસ કરતા રહ્યા અને લાઇફ સપોર્ટ સિસ્ટમ દૂર થવા દીધી નહીં. તેમણે કહ્યું કે તેમના પુત્રના મૃત્યુનો સમય ફક્ત અલ્લાહ જ નક્કી કરશે. યુવરાજ અલવલીદ બિન ખાલેદ ત્રણ ભાઈઓમાં સૌથી મોટા હતા.