School Fee : પુત્રની એક મહિનાની સ્કૂલ ફી ₹ 30,000, પિતાએ શેર કર્યું દર્દ

School Fee, સ્કૂલ ફી : વધતી જતી મોંઘવારી વચ્ચે બાળકોને શિક્ષણ આપવા માટે મોંઘી ફી ભરતા વાલીઓમાં ચિંતા રહેતી હોય છે. ત્યારે એક પિતાએ સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું.

School Fee, સ્કૂલ ફી : વધતી જતી મોંઘવારી વચ્ચે બાળકોને શિક્ષણ આપવા માટે મોંઘી ફી ભરતા વાલીઓમાં ચિંતા રહેતી હોય છે. ત્યારે એક પિતાએ સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
school fee, education news

સ્કૂલ ફી અંગે એક પિતાની ચિંતા - photo - freepik

School Fee, સ્કૂલ ફી : શાળાઓમાં વધતી જતી ફી ને લઈને મધ્યમ વર્ગ ચિંતામાં આવ્યો છે. દિવસે ને દિવસે શાળા સંચાલકો સ્કૂલ ફીમાં તોતિંગ વધારો કરી રહ્યા છે. જેને કારણે 50 હજાર આવક ધરાવતો શહેરી મધ્યમ વર્ગ પણ પરેશાન થઈ ગયો છે. અને પ્રાઇવેટ સ્કૂલો બેફામ ફી વધારો કરી રહી છે. તે અંગે સોશિયલ મીડિયામાં રોષ જોવા મળ્યો હતો.

Advertisment

એક પિતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાનું દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમના પુત્રની ફી દર વર્ષે વધી રહી છે. તેઓ તેમના બાળકને સારી શાળામાં ભણાવવા ઈચ્છે છે, જેથી તેનું ભવિષ્ય સારું બની શકે. જ્યારે એડમિશન થયું ત્યારે અને આજની ફીમાં ઘણો તફાવત છે. એક્સ પર પોસ્ટમાં તેઓએ લખ્યું છે કે હાલમાં તે દર મહિને તેમના પુત્રની સ્કૂલની ફી 30 હજાર રૂપિયા ચૂકવે છે.

તેમનું કહેવું છે કે શાળા વાર્ષિક ધોરણે 10 ટકાનો વધારો કરી રહી છે. જો કે, શાળા એ પણ જણાવતી નથી કે તેઓ શા માટે આટલી ફી વધારી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, જ્યારે માતા-પિતા આ અંગે શાળામાં ફરિયાદ કરે છે, ત્યારે સ્કૂલ મેનેજમેન્ટ તેમને પુત્રનું એડમિશન અન્ય કોઈ શાળામાં લેવા જણાવે છે.

સ્કૂલ ફી : ઘરના ખર્ચાઓ સિવાય બાળકોના શિક્ષણની ચિંતા અલગ

મેગા સિટીમાં રહેવું હવે પહેલા કરતા ઘણું અઘરું બન્યું છે. લોકો ચિંતાતુર બન્યા છે કેમ કે કમાણી કરતાં ખર્ચ વધતો જઈ રહ્યો છે. પગાર આવે તે પહેલાં EMI માં જતો રહે છે. EMI, ઘરનું ભાડું, વીજળીનું બિલ, મેઇન્ટેનન્સ, જિમ માટે પૈસા, ખાવા માટેના પૈસા, ખરીદી માટે ક્રેડિટ કાર્ડ બિલ જેવા ખર્ચા શહેરી મઘ્યમ વર્ગની કમર તોડી નાખે છે. તેના ઉપર બાળકોના શિક્ષણની ચિંતા અલગ છે. તેવામાં સ્કૂલ ફીમાં વધારો મધ્યમ વર્ગની આર્થિક સંકડામણમાં વધારો કરે છે.

Advertisment

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર પોસ્ટ કરનાર વ્યક્તિ ઉદિત ભંડારી છે. તે ગુરુગ્રામમાં રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું કે તેમનો પુત્ર હાલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. તેમણે પોસ્ટમાં કહ્યું, મારો પુત્ર ગુરુગ્રામની એક પ્રતિષ્ઠિત CBSE સ્કૂલમાં જાય છે અને હું તેની સ્કૂલની ફી મહિને 30,000 રૂપિયા ચૂકવું છું. ભંડારીએ કહ્યું કે જો શાળા દર વર્ષે તેની ફીમાં 10 ટકાનો વધારો કરવાનું ચાલુ રાખે તો જ્યારે તેનો પુત્ર 12માં ધોરણમાં પહોંચશે ત્યારે તેની શાળાની ફી વર્ષે 9,00,000 રૂપિયા હશે. જે ચિંતાજનક છે.

સ્કૂલ ફી : સોશિયલ મીડીયા પર ખાનગી શાળા સંચાલકો વિરૂદ્ધ રોષ

ત્યારે એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું “હું ભારતમાં ખાનગી શાળાઓ મનસ્વી રીતે ઊંચી ફી વસૂલવાનાં ઘણાં કારણો જોઉં છું - ખાનગી શાળાઓનું નિયમન થતું નથી. તેઓ મોટા ઉદ્યોગો છે અને નફા માટે શાળાઓ ચલાવે છે. માંગ અને પુરવઠા વચ્ચે મોટો તફાવત છે. મોટા ભાગના કિસ્સાઓમાં માતા-પિતા પાસે માત્ર 1 બાળક હોય ત્યારે તેઓ બાળકને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માંગે છે. સરકારી શાળાઓ દયનીય છે. ભારતમાં હજુ હોમસ્કૂલિંગ શરૂ થયું નથી.

અન્ય એક યુઝરે કહ્યું, "સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ અને ખાનગી શાળાઓની ફી પર મર્યાદા મૂકવી જોઈએ". અન્ય એક યુઝરે કહ્યું કે જો પરિસ્થિતિ આવી જ રહી તો ભવિષ્યમાં દરેક વ્યક્તિ માટે બાળકોને સારું શિક્ષણ આપવું શક્ય નહીં બને. આપણી શિક્ષણ વ્યવસ્થા આ દિશામાં જઈ રહી છે. આ અંગે તમારો શું અભિપ્રાય છે.

કરિયર દિલ્હી શિક્ષણ