Shahrukhz by Danube : દુબઈમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના નામે બનેલો લગભગ 5000 કરોડ રૂપિયા (2.1 અબજ દિરહમ)નો કોમર્શિયલ ટાવર લોન્ચિંગના દિવસે જ વેચાઈ ગયો હતો. શાહરૂખ બાય ડેન્યૂબ, જે ડેન્યૂબ પ્રોપર્ટીઝ દ્વારા બનાવવામાં આવ્યો છે. તે વિશ્વની પ્રથમ કોમર્શિયલ બિલ્ડિંગ છે જેની બ્રાન્ડનું નામ બોલિવૂડ સ્ટારના નામ પરથી રાખવામાં આવ્યું છે.
10 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા શેખ ઝાયેદ રોડ પરના 55 માળના ટાવરમાં 488 યૂનિટ હશે, જેની કિંમત લગભગ 4.54 કરોડ રૂપિયા થી શરૂ થાય છે. આ પ્રોજેક્ટ 2029માં પૂર્ણ થવાનો છે.
ડેન્યૂબ પ્રોપર્ટીઝના સ્થાપક અને ચેરમેન રિઝવાન સાજને ધ ખલીજ ટાઇમ્સને જણાવ્યું હતું કે આવી વધારે ડિમાન્ડ પ્રોજેક્ટની ખાસ વેલ્યૂ (પસંદગીનું લોકેશન, દુબઈના ચોક્કસ જિલ્લાઓ સુધી સરળ પ્રવેશ)ને દર્શાવે છે . તેમણે કહ્યું કે આ રિસ્પોન્સએ પુષ્ટિ કરે છે કે અમે સાચે જ કંઈક ઘણું સારું આપ્યું છે.
કોમર્શિયલ પ્રોપર્ટીની માંગમાં વધારો
ધ ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર દુબઈનું રહેણાંક માર્કેટ 5 વર્ષની રેલી પછી ઠંડુ પડી રહ્યું છે, જ્યારે કોમર્શિયલ રિયલ એસ્ટેટ સેક્ટર ઝડપથી વિકસી રહ્યું છે. ધ ખલીજ ટાઇમ્સમાં પ્રકાશિત સીઆરસી પ્રોપર્ટીના Q3 2025 માર્કેટ રિપોર્ટ અનુસારઆ સેગમેન્ટમાં 31% નો વધારો થયો છે, જેમાં કોમર્શિયલ વેચાણ 30.38 અબજ દિરહમ (68,969 કરોડ રૂપિયા) સુધી પહોંચ્યું છે.
ઓફિસ માર્કેટ આ વૃદ્ધિને આગળ ધપાવી રહ્યું છે. એકલા ત્રીજા ક્વાર્ટરમાં 1,153 યૂનિટ્સમાં ઓફિસનું વેચાણ 3.1 બિલિયન દિરહમ (7,037 કરોડ રુપિયા) સુધી પહોંચ્યું હતું, જે અગાઉના ક્વાર્ટરની તુલનામાં 18% અને વાર્ષિક ધોરણે 93% નો શાનદાર વધારો છે.
આ પણ વાંચો – પુતિનની ભારત મુલાકાત બાદ પ્રથમવાર PM મોદી અને ટ્રમ્પ વચ્ચે થઈ વાત, આ મુદ્દાઓ પર કરી ચર્ચા
ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં ક્વાર્ટર-ઓન-ક્વાર્ટરમાં 19% નો વધારો થયો છે, જે મજબૂત રોકાણકારોની રુચિ અને પ્રાઇમ કોમર્શિયલ સ્પેસની શોધમાં રહેલા વ્યવસાયોની સતત માંગ સૂચવે છે.
શાહરૂખ બાય ડેન્યૂબમાં સ્કાય પૂલ, એર-ટેક્સી-રેડી હેલિપેડ, વેલેટ સર્વિસ અને એક્સક્લુઝિવ એક્ઝિક્યુટિવ લાઉન્જ સહિત 35થી વધારે સુવિધઆઓ સામેલ છે. શાહરૂખ ખાનની હાજરીમાં યોજાયેલા ગાલા ડિનરમાં ડેન્યૂબના ચેરમેને સંકેત આપ્યો હતો કે ટૂંક સમયમાં ‘શાહરૂખ બાય ડેન્યુબ 2.0’ની જાહેરાત કરવામાં આવી શકે છે.





