/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/sharad-pawar-arvind-kejriwal.jpg)
અરવિંદ કેજરીવાલ અને શરદ પવાર (તસવીર - એએનઆઈ)
India Alliance : મહારાષ્ટ્ર અને હરિયાણામાં કોંગ્રેસની હાર બાદ તેમના સાથી પક્ષો તેના પર પ્રહારો કરી રહ્યા છે. આ દરમિયાન ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વ બદલવાની માંગ ઉઠી છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઇન્ડિયા ગઠબંધનના નેતા બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. ટીએમસી ઉપરાંત ઇન્ડિયા ગઠબંધનની ઘણી ક્ષેત્રીય પાર્ટીઓ મમતા બેનર્જીના નામનું સમર્થન કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઇન્ડિયા બ્લોકના નેતૃત્વમાં પરિવર્તનની માંગ વચ્ચે આજે આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને એનસીપી-સપા સુપ્રીમો શરદ પવારની બેઠક મળી શકે છે.
શરદ પવાર, કેજરીવાલ મમતા બેનર્જીને સમર્થન આપે તેવી શક્યતા
સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ગઠબંધનની કમાન આપવા પર પણ ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઇન્ડિયા બ્લોકની ભૂમિકા અંગે પણ ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે. શરદ પવારે તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની નેતૃત્વ ક્ષમતાનો સ્વીકાર કર્યો હતો. તેમણે મમતાના પક્ષના પ્રતિનિધિઓની યોગ્યતા પર પણ ભાર મુક્યો હતો.
શરદ પવારે ગયા અઠવાડિયે પોતાનું સમર્થન વ્યક્ત કરતાં કહ્યું હતું કે હા, ચોક્કસપણે મમતા ગઠબંધનનું નેતૃત્વ કરવા સક્ષમ છે. તે આ દેશના અગ્રણી નેતા છે, તેમનામાં તે ક્ષમતા છે. તેમણે જે ચૂંટાયેલા નેતાઓને સંસદમાં મોકલ્યા છે, તેઓ જવાબદાર છે, નિષ્ઠાવાન છે. આ પહેલા આજે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના પ્રમુખ લાલુ યાદવે ઈન્ડિયા બ્લોકના નેતૃત્વ માટે મમતા બેનર્જીનું સમર્થન કરીને બધાને ચોંકાવી દીધા હતા.
લાલુ યાદવે આપ્યું સમર્થન
પટનામાં ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા લાલુ યાદવે કહ્યું કે કોંગ્રેસની આપત્તિનો કોઈ અર્થ નથી. અમે મમતાનું સમર્થન કરીશું. મમતા બેનર્જીને (ઇન્ડિયા બ્લોકનું) નેતૃત્વ આપવું જોઈએ. અમે 2025માં ફરી સરકાર બનાવીશું. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ કલ્યાણ બેનર્જીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસના નેતૃત્વમાં ઇન્ડિયા બ્લોક નિષ્ફળ ગયો છે અને તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ગઠબંધનની કમાન સંભાળવાનું સૂચન કર્યું હતું.
આ પણ વાંચો - આમ આદમી પાર્ટીએ કેમ બદલાવી મનીષ સિસોદિયાની સીટ, જંગપુરા જ કેમ પસંદ કર્યું?
કલ્યાણ બેનર્જીએ કહ્યું કે અમે પહેલા જ કહ્યું હતું કે કોંગ્રેસે સમજવું જોઈએ કે ઇન્ડિયા બ્લોક તેના નેતૃત્વમાં નિષ્ફળ ગયો છે. જો મમતા દીદીને ઇન્ડિયા બ્લોકનું નેતૃત્વ કરવા માટે લાવવામાં આવે તો સારું રહેશે. તમામ નેતાઓમાં મમતા દીદીનું નામ સૌથી ઉપર છે.
લોકસભા બાદ જમ્મુ-કાશ્મીર (એનસી-કોંગ્રેસ ગઠબંધન) અને ઝારખંડ (જેએમએમ-કોંગ્રેસ-આરજેડી ગઠબંધન)માં ઇન્ડિયા ગઠબંધનનો વિજય થયો હતો. પરંતુ હરિયાણા અને મહારાષ્ટ્રમાં કારમો પરાજય થયો હતો. આ પછી કોંગ્રેસ પર તેના ઘણા સહયોગીઓએ પણ સાથ ન આપવાનો આરોપ લગાવ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us