Shehbaz Sharif Elected Pakistan PM : પાકિસ્તાનમાં વડાપ્રધાનના નામ પર મહોર લાગી છે. શાહબાઝ શરીફ વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. આ બીજી વખત છે જ્યારે શાહબાઝ શરીફ ગઠબંધન સરકારનું નેતૃત્વ કરવા માટે પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)એ રવિવારે નવી ચૂંટાયેલી સંસદમાં આસાનાથી બહુમતી મેળવી લીધી છે. બંને પક્ષોએ સર્વાનુમતે શાહબાઝ શરીફને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે ચૂંટ્યા હતા.
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા તેમના ભાઈ નવાઝ શરીફને વડાપ્રધાન બનાવવાની વાત ચાલી રહી હતી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની સેનાએ નવાઝની સામે એવી શરત મુકી કે શાહબાઝને બીજી વખત વડાપ્રધાન બનવાની તક મળી છે.
શાહબાઝ શરીફ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ છે
શાહબાઝ શરીફ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ છે. હવે તેઓ સતત બીજી વખત પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. 72 વર્ષીય શાહબાઝ શરીફને સર્વાનુમતે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના ઉમેદવાર તરીકે ચૂંટવામાં આવ્યા છે. 336 સભ્યોના ગૃહમાં તેમને 201 મત મળ્યા હતા.
આ પણ વાંચો – NATO દેશોને પુતિનની ધમકી, પરમાણુ હુમલાને લઇને આપ્યું મોટુ નિવેદન
પીટીઆઇના ઉમેદવાર અયુબ ખાનને 92 મત મળ્યા
શાહબાઝની મુખ્ય સ્પર્ધા ઓમર અયુબ ખાન સાથે હતી. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર અયુબ ખાનને જાહેર કરવામાં આવ્યા હતા. 336 સભ્યોના ગૃહમાં અયુબને માત્ર 92 મત મળ્યા હતા.
પાકિસ્તાનમાં નવી સંસદનું સત્ર બોલાવવામાં આવ્યા બાદ પીટીઆઇ સમર્થિત સાંસદો દ્વારા ભારે હંગામો કરવામાં આવ્યો હતો. આ બધાની વચ્ચે શાહબાઝને પીએમ પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. શાહબાઝ શરીફ સોમવારે રાષ્ટ્રપતિ પેલેસ ઐવાન-એ-સદરમાં વડાપ્રધાન પદના શપથ લેશે.
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ યોજવા માટે સંસદનું વિસર્જન કરવામાં આવ્યું તે પહેલાં શાહબાઝ શરીફે એપ્રિલ 2022થી ઓગસ્ટ 2023 સુધી ગઠબંધન સરકારના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી.





