Priyanka Chaturvedi Slams BCCI And Central Government : અફઘાનિસ્તાન પર પાકિસ્તાની એર સ્ટ્રાઈક અને અફઘાન ક્રિકેટ બોર્ડ (એસીબી) દ્વારા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીએ ભારતમાં રાજકીય વિવાદ સર્જ્યો છે. અફઘાનિસ્તાનના ટોલો ન્યૂઝના જણાવ્યા અનુસાર મોડી રાતના હુમલા બાદ તરત જ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે નવેમ્બરમાં પાકિસ્તાન સાથેની ત્રિકોણીય ટી 20 ક્રિકેટ શ્રેણી રદ કરી દીધી છે.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના વલણનો ઉલ્લેખ કરતાં શિવસેના યુબીટીના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, ભારતીય ક્રિકેટ બોર્ડ અને ભારત સરકારે પણ રમત કરતાં દેશને પ્રાથમિકતા આપવી જોઈએ. અફઘાન ક્રિકેટર રાશિદ ખાનની એક પોસ્ટ શેર કરતા ચતુર્વેદીએ કહ્યું કે પાકિસ્તાની શાસન કાયરોથી બનેલું છે જે તેમના નિર્દોષ પીડિતોના લોહી પર ખીલે છે અને સરહદો પર પીટે છે. તેમને શરમ આવવી જોઈએ. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડનો પાકિસ્તાન સાથેની શ્રેણી રદ કરવાનો નિર્ણય સારો છે. કદાચ બીસીસીઆઇ અને ભારત સરકાર સ્પોર્ટસ કરતાં દેશને વધુ પ્રાથમિકતા આપવા અંગે ટિપ્સ લઈ શકે.
આશા છે કે શ્રીલંકાની ટીમ પણ શ્રેણીમાંથી ખસી જશે : પ્રિયંકા ચતુર્વેદી
આ હુમલામાં ઉરગુન જિલ્લાના ત્રણ સ્થાનિક ક્રિકેટરો કબીર, સિબગતુલ્લાહ અને હારૂનના મોત થયા છે. પ્રિયંકા ચતુર્વેદીએ અન્ય એક પોસ્ટમાં લખ્યું છે કેનઆશા છે કે શ્રીલંકાની ટીમ પણ અફઘાનિસ્તાનની ટીમ સાથે એકતા દર્શાવીને આ શ્રેણીમાંથી ખસી જશે. સાથે જ એ પણ ન ભૂલે કે 2009માં પાકિસ્તાન પ્રવાસ દરમિયાન તેમની ટીમ ઉપર પણ આતંકીઓએ હુમલો કર્યો હતો. બીસીસીઆઇથી વિપરીત મને આશા છે કે એશિયનની અન્ય ટીમો પણ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે એક થઈને ઉભા રહેશે.
આ પણ વાંચો – પાકિસ્તાન હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરોના મોત, અફઘાનિસ્તાને ત્રિકોણીય શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું
તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેમની ટિપ્પણી રાજકારણ વિશે નથી પરંતુ જીવ ગુમાવનારાઓ વિશે છે. તેમણે વધુમાં કહ્યું કે રાજકારણને રમતથી દૂર રાખો, એક એવી વસ્તુ છે જેને સરકાર અને બીસીસીઆઈના સમર્થકો સરળતાથી ઉછાળી દે છે. આ રાજકારણનો કેસ નથી, પરંતુ આતંકવાદનો કેસ છે. એક બદમાશ રાષ્ટ્રને કારણે જાનહાનિ થાય છે, પરિવારો પ્રભાવિત થાય છે, અર્થવ્યવસ્થા પ્રભાવિત થાય છે, દેશને આ બધું સહન કરવું પડે છે. તેથી તે રાજનીતિને બહાર રાખવાની વાત નથી, તે આતંકવાદને બહાર રાખવાની વાત છે.