Karnataka CM : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદને લઈને મોટુ નિવેદન આપ્યુ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા તેમણે કહ્યું કે મુખ્યમંત્રીમાં ફેરફારને લઈને કોઈ ચર્ચા થઈ રહી નથી. ડીકે શિવકુમાર પોતે પણ કહી ચુક્યા છે કે સીએમ પદ માટે કોઈ જગ્યા ખાલી નથી. 50-50 ફોર્મ્યુલા નથી. હાઈકમાન્ડ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે અમે તેનો સ્વીકાર કરીશું.
સિદ્ધારમૈયાએ વધુમાં કહ્યું કે હું કર્ણાટકનો મુખ્યમંત્રી છું. હું અહીં બેઠો છું. કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ માટે કોઈ જગ્યા ખાલી નથી. જો કે બાદમાં તેમણે કહ્યું હતું કે હાઇકમાન્ડ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે બંને નેતાઓ તેનું પાલન કરશે.
સિદ્ધારમૈયા આજે રાહુલ ગાંધીને મળશે?
બુધવારે એ વાતની ચર્ચા હતી કે સિદ્ધારમૈયા એપોઇમેન્ટ મળવા પર તેઓ ગુરૂવારે રાહુલ ગાંધીને મળશે, પરંતુ આજે તેમણે કહ્યું કે કોઈ બેઠક નક્કી નથી. જોકે કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓની મુલાકાત થાય તેવી શક્યતા છે.
શિવકુમારે પ્રિયંકા ગાંધી સાથે કરી મુલાકાત
બુધવારે ડીકે શિવકુમારે પ્રિયંકા ગાંધી સાથે તેમના ઘરે મુલાકાત કરી હતી. કોંગ્રેસ પાર્ટીના એક નેતાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેમણે આ બેઠકમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હશે. જોકે મને શંકા છે કે રાજ્યમાં કશુંક બદલાશે. સિદ્ધારમૈયા કોંગ્રેસના ટોચના ઓબીસી નેતાઓમાંના એક છે – કદાચ સૌથી વધુ અપીલ અને સમર્થન ધરાવતા લોકો. કોંગ્રેસ શા માટે તેમને બદલશે?
આ પણ વાંચો – FATF નો ખુલાસો, પુલવામા હુમલા માટે ઈ-કોમર્સ સાઇટ્સ પરથી ખરીદ્યો હતો
બેઠક અંગે જ્યારે ડીકે શિવકુમારને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કોઇ ખાસ જાણકારી આપી ન હતી. તેમણે કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની વાતને પણ ફગાવી દીધી અને કહ્યું કે અત્યારે મંત્રીમંડળમાં ફેરફાર કરવાની કોઈ યોજના નથી. તેમણે કહ્યું કે તેઓ મુખ્યમંત્રીની સાથે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આવ્યા છે.