કુંભ આવવા માંગતા હતા સ્ટીવ જોબ્સ, વાયરલ થયો 51 વર્ષ જૂનો લેટર, 4.32 કરોડમાં થઇ હતી હરાજી

Maha Kumbh Mela 2025 : સ્ટીવ જોબ્સનો એક જૂનો હસ્તલિખિત પત્ર વાયરલ થઈ રહ્યો છે. સ્ટીવ જોબ્સે આ પત્ર 1974માં પોતાના મિત્ર ટિમ બ્રાઉનને લખ્યો હતો અને કુંભ મેળામાં આધ્યાત્મિક આકર્ષણનો અનુભવ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી

Written by Ashish Goyal
January 16, 2025 15:59 IST
કુંભ આવવા માંગતા હતા સ્ટીવ જોબ્સ, વાયરલ થયો 51 વર્ષ જૂનો લેટર, 4.32 કરોડમાં થઇ હતી હરાજી
સ્ટીવ જોબ્સે કુંભ મેળામાં આધ્યાત્મિક આકર્ષણનો અનુભવ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી

Maha Kumbh Mela 2025 : મહાકુંભ 2025ની ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે. ભારતની સાથે-સાથે તેમજ સમગ્ર વિશ્વમાંથી સામાન્ય લોકોની સાથે ખાસ લોકો સંગમમાં ડુબકી લગાવવા માટે પ્રયાગરાજ આવી રહ્યા છે. 13 જાન્યુઆરી, 2025થી શરૂ થયેલા આ મહાકુંભમાં 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવે તેવી સંભાવના છે.

એપલના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સના પત્ની લોરેન પોવેલ જોબ્સ પણ મહાકુંભમાં છે અને તેમની સાથે જોડાયેલા સમાચારો અને તસવીરો પણ દરરોજ સામે આવી રહ્યા છે.

હવે સ્ટીવ જોબ્સનો એક જૂનો હસ્તલિખિત પત્ર વાયરલ થઈ રહ્યો છે. સ્ટીવ જોબ્સે આ પત્ર 1974માં પોતાના મિત્ર ટિમ બ્રાઉનને લખ્યો હતો અને કુંભ મેળામાં આધ્યાત્મિક આકર્ષણનો અનુભવ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

સ્ટીવ જોબ્સના આ પત્રની 4.32 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે સ્ટીવ જોબ્સના આ પત્રની 2021માં 4.32 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. હવે જ્યારે કુંભ મેળો શરૂ થાય છે ત્યારે આ પત્ર ફરી એકવાર હેડલાઇન્સમાં છે. સ્ટીવે આ પત્ર વર્ષો પહેલા 1974 માં લખ્યો હતો જ્યારે તે જેન બુદ્ધિઝમ અને આધ્યાત્મિકતાનો માર્ગ શોધી રહ્યા હતા.

સ્ટીવ જોબ્સ ભારત આવ્યા હતા

તે જ વર્ષે સ્ટીવ જોબ્સ ભારત પણ આવ્યા હતા અને ઉત્તરાખંડમાં આવેલા નીમ કરોલી બાબાના આશ્રમની મુલાકાત પણ લીધી હતી. જોકે તેઓ જાણતા હતા કે નીમ કરોલી બાબાનું નિધન એક વર્ષ પહેલા 1973માં થયું હતું. આમ છતાં સ્ટીવ જોબ્સ કૈંચી ધામમાં જ રહ્યા અને બાબાની વાતોમાંથી પ્રેરણા લીધી. આ યાત્રાએ સ્ટીવ જોબ્સનું જીવન બદલી નાખ્યું હતું અને તેની વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન પર મોટી અસર પડી હતી.

જોકે સ્ટીવ જોબ્સે ક્યારેય કુંભમાં ભાગ લીધો ન હતો, પરંતુ તેમની પત્નીએ 13 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં પહોંચીને તેમનું એ સપનું પૂરું કર્યું છે. લોરેન કુંભમાં નિરંજની અખાડામાં રહે છે અને સ્વામી કૈલાશાનંદ ગિરીએ તેમને હિન્દુ નામ ‘કમલા’ આપ્યું છે.

આ પણ વાંચો – મહાકુંભે હર્ષા રિછારિયાને બનાવી દીધી સ્ટાર

સફેદ વસ્ત્રો અને નારંગી શાલ ઓઢીને લોરેને આરતી, ધ્યાન અને ક્રિયાયોગ અને પ્રાણાયામમાં ભાગ લીધો હતો. પરંતુ મકરસંક્રાંતિ પર શાહી સ્નાનના દિવસે ભીડના કારણે તેમને એલર્જી થઇ ગઇ હતી.

સ્ટીવ જોબ્સે તેમના પત્રમાં શું લખ્યું હતું …

ટિમ,

મેં તમારો પત્ર ઘણી વાર વાંચ્યો છે

શું કહેવું, મને ખબર નથી.

ઘણી સવારો થઈ અને ગઈ, ઘણા લોકો આવ્યા અને ગયા

મેં ઘણો પ્રેમ કર્યો છે અને હું ઘણી વાર રડ્યો છું.

જોકે કોઈક રીતે આ બધાથી આગળ એક વસ્તુ છે જે બદલાતી નથી – શું તમે સમજો છો?

હું હાલમાં લોસ ગેટોસ અને સાન્ટા ક્રુઝ વચ્ચેના પર્વતોના ફાર્મહાઉસમાં રહું છું. હું ભારતમાં એપ્રિલમાં લાગતા કુંભ મેળામાં જવા માંગુ છું. હું માર્ચમાં ગમે તે સમયે નીકળી જઈશ, પરંતુ હજી સુધી કશું નિશ્ચિત નથી. જો તમારી ઇચ્છા હોય અને તમે અહીં આવો ત્યાં સુધી હું અહીં જ છું, તો આપણે અહીં પર્વતોમાં સાથે રહી શકીએ છીએ અને તમે મને તમારા વિચારો અને લાગણીઓ વિશે કહી શકો છો, જે હું તમારા પત્રમાંથી સંપૂર્ણપણે સમજી શક્યો નથી.

અહીં બીજા રૂમમાં આગ સળગી રહી છે અને મને ઠંડી લાગી રહી છે. હું એમ કહીને સમાપ્ત કરવા માંગુ છું કે મને ખબર નથી કે શરૂઆત ક્યાંથી કરુંય

શાંતિ

સ્ટીવ જોબ્સ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ