“ચાર મહિના નહી, થોડી જ મિનિટો પૂરતી છે” જાણો SBI ને ચૂંટણી બોન્ડનો ડેટા આપવામાં કેટલો સમય લાગશે?

ઈલેક્ટોરલ બોન્ડ નો ડેટા આપવા સુપ્રીમ કોર્ટે એસબીઆઈને આદેશ કર્યો હતો, એસબીઆઈએ વધુ સમય માંગ્યો હોવાનો વિપક્ષનો આરોપ, ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ જશે, એસબીઆઈ ભાજપની છબી બચાવવા આવુ કરી રહી.

Written by Kiran Mehta
March 09, 2024 19:16 IST
“ચાર મહિના નહી, થોડી જ મિનિટો પૂરતી છે” જાણો SBI ને ચૂંટણી બોન્ડનો ડેટા આપવામાં કેટલો સમય લાગશે?
સુપ્રીમ કોર્ટ (પ્રતિકાત્મક તસવીર) express photo

દેશની સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ‘ગેરબંધારણીય’ જાહેર કર્યા પછી પણ આ મામલો સતત ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ને 6 માર્ચ, 2024 સુધીમાં રાજકીય પક્ષોને દાન આપવા માટે ખરીદેલા ચૂંટણી બોન્ડ વિશે ચૂંટણી પંચ (EC) ને માહિતી આપવા જણાવ્યું હતું.

પરંતુ ચૂંટણી બોન્ડ માટે એકમાત્ર અધિકૃત બેંક SBI એ અંતિમ તારીખ ના બે દિવસ પહેલા સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ચૂંટણી પંચને માહિતી આપવા માટે 30 જૂન સુધીનો સમય જોઈએ છે. SBI દલીલ કરે છે કે, આ ‘ખૂબ જ સમય માંગી લેતું’ કાર્ય છે અને આટલી ઝડપથી કરી શકાય તેમ નથી.

SBIએ જણાવ્યું હતું કે, “બોન્ડ ખરીદનારાઓની ઓળખને સુરક્ષિત રાખવા માટે, બોન્ડ ઇશ્યુ કરવા સંબંધિત ડેટા અને બોન્ડના રિડેમ્પશન સંબંધિત ડેટા બંને અલગ-અલગ સ્થળોએ જાળવવામાં આવે છે અને કોઈ કેન્દ્રીય ડેટાબેઝ જાળવવામાં આવતો નથી. “ડેટા ભેગા કરવામાં થોડો સમય લાગશે.”

જો કે, કોંગ્રેસનો આરોપ છે કે, SBI એ આટલો સમય આ ચૂંટણી બોન્ડ યોજનાના સૌથી મોટા લાભાર્થી ભાજપની છબી બચાવવા માટે કરી રહી છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, “એક જ ક્લિકથી મેળવી શકાય તેવી માહિતી માટે 30 જૂન સુધીનો સમય માંગવો એ દર્શાવે છે કે, દાળમાં કંઈ કાળું નથી, પરંતુ આખી દાળ કાળી છે.”

SBI અને વિપક્ષની દલીલો અલગ છે. આવી સ્થિતિમાં, ચાલો નિષ્ણાતોની મદદથી જાણીએ કે, ચૂંટણી બોન્ડનો ડેટા એકત્ર કરવામાં કેટલો સમય લાગશે?

’10 મિનિટ લાગશે’

વરિષ્ઠ પત્રકાર બરખા દત્તે પૂર્વ નાણા સચિવ સુભાષ ગર્ગ સાથે SBI નો સમય માંગવાના મુદ્દે વાત કરી છે. નાણા સચિવનું કહેવું છે કે, SBI બહાનું બનાવી રહી છે.

કોર્ટના આદેશ મુજબ બેંકે માત્ર ત્રણ આધારભૂત માહિતી આપવાની છે. બોન્ડ કોણે ખરીદ્યા, કેટલામાં ખરીદ્યા અને ક્યારે બોન્ડ ખરીદ્યા. એ જ રીતે, બોન્ડ કોને મળ્યા, બોન્ડ કેટલું હતું અને તે ક્યારે પ્રાપ્ત થયું (એટલે ​​કે તે ક્યારે રિડીમ કરવામાં આવ્યું). આ તમામ માહિતી હંમેશા SBI ના કોમ્પ્યુટરમાં ઉપલબ્ધ હોય છે. આ બધી માહિતી એકસાથે રજૂ કરવા માટે, માત્ર 10 મિનિટ સમય લાગે, મહિનાઓ નહીં. તમને જણાવી દઈએ કે, જ્યારે મોદી સરકાર ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ તૈયાર કરી રહી હતી, ત્યારે સુભાષ ગર્ગ આર્થિક બાબતોના સચિવ હતા.

ધ રિપોર્ટ્સ કલેક્ટિવ દ્વારા એક તપાસ અહેવાલ જણાવે છે કે, એવા ઘણા પુરાવા છે જે સાબિત કરે છે કે, SBI સરકારને ચૂંટણી બોન્ડ સંબંધિત ડેટા પ્રદાન કરતી રહી છે. બેંકે આ કામ ઓછામાં ઓછા સમયમાં કર્યું છે. કેટલીકવાર તો ડેટા 48 કલાકની અંદર પણ આપવામાં આવ્યા છે.

રિપોર્ટમાં લખ્યું છે કે, “દસ્તાવેજો દર્શાવે છે કે SBI, કેન્દ્રીય નાણા મંત્રાલયના આદેશ પર, બોન્ડને રોકડ કરવાની સમયમર્યાદાના અંતના 48 કલાકની અંદર સમગ્ર દેશમાંથી ચૂંટણી બોન્ડ્સ પર ડેટા એકત્રિત કરવામાં સક્ષમ હતી. “તે વેચાણના દરેક વિન્ડો પીરિયડ પછી કેન્દ્રીય નાણા મંત્રાલયને નિયમિતપણે આવી માહિતી મોકલે છે.”

11 માર્ચની તારીખનો અર્થ

એ પણ નોંધનીય છે કે, એસબીઆઈએ જે સમય માંગ્યો છે, ત્યાં સુધીમાં દેશમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ હશે અને નવી સરકાર પણ બની ગઈ હશે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર), એક સંગઠન જે રાજકીય પક્ષોના ભંડોળ, નેતાઓના રેકોર્ડ વગેરે પર નજર રાખે છે, તેણે એસબીઆઈ દ્વારા 30 જૂન સુધી માંગવામાં આવેલા સમયને કોર્ટમાં પડકાર્યો છે. ADR ની PIL પર સુપ્રીમ કોર્ટમાં 11 માર્ચે સુનાવણી થશે.

આ પણ વાંચો – પીએમ મોદીએ સેલા ટનલનું કર્યું ઉદ્ઘાટન: તેજપુરથી તવાંગ ફટાફટ પહોંચાશે, જાણો સેલા ટનલની વિશેષતા અને ફાયદો

રસપ્રદ વાત એ છે કે, છેલ્લી લોકસભા ચૂંટણીની તારીખો 10 માર્ચની આસપાસ જાહેર કરવામાં આવી શકે છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ જાય છે. જાણકારોને આશંકા છે કે, આ વખતે પણ 10 માર્ચે જ ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આવી સ્થિતિમાં 11 માર્ચે સુનાવણી દરમિયાન આ મામલો લોકસભા ચૂંટણી સુધી સ્થગિત કરી શકાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ