Sabarmati Ashram redevelop : સુપ્રીમ કોર્ટે મંગળવારે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની અરજી ફગાવી દીધી છે, જેમાં તેમણે સાબરમતી આશ્રમના પુનર્વિકાસની ગુજરાત સરકારની યોજનાને પડકાર આપ્યો હતો. તુષાર ગાંધીનું કહેવું હતું કે આ પ્રોજેક્ટ આશ્રમનું મૂળ સ્વરૂપ અને તેની ઐતિહાસિક ઓળખ પ્રભાવિત થશે. જસ્ટિસ એમ એમ સુંદરેશ અને જસ્ટિસ રાજેશ બિંદલની ખંડપીઠે આ અરજીને ફગાવી દીધી હતી.
તુષાર ગાંધીએ ગુજરાત સરકાર દ્વારા 5 માર્ચ, 2021ના રોજ પ્રસ્તાવિત પુનર્વિકાસ યોજનાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી હતી પરંતુ તેમને ત્યાં પણ રાહત મળી ન હતી.
રાજ્ય સરકારે કોર્ટમાં સ્પષ્ટતા કરી હતી કે સાબરમતી આશ્રમના મુખ્ય વિસ્તારમાં જરાય ફેરફાર કરવામાં આવશે નહીં. માત્ર તેની આસપાસના વિસ્તારોનો જ વિકાસ કરવામાં આવશે જેથી તેને વધુ સારું રુપ આપી શકાય. તેના આધારે ગુજરાત હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ અને હાઈકોર્ટનો ફરી નિર્ણય
તુષાર ગાંધી આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. એપ્રિલ 2022માં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને પલટાવી દીધો હતો અને રાજ્ય સરકારને આ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત જવાબ આપવા અને અરજી પર પુનર્વિચારણા કરવા જણાવ્યું હતું. આ પછી આ મામલો ફરી ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.
8 સપ્ટેમ્બર 2022 ના રોજ હાઈકોર્ટે ફરીથી અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ પ્રોજેક્ટ મહાત્મા ગાંધીના વિચારો અને દર્શનને આગળ ધપાવશે અને સમાજ અને માનવતા માટે ફાયદાકારક રહેશે.
આ પણ વાંચો – લોકસભામાં વક્ફ બિલ રજુ થશે, ચર્ચાને લઇને સરકાર અને વિપક્ષમાં વધ્યો ટકરાવ
તુષાર ગાંધીએ સર્વોચ્ચ અદાલતમાં પોતાની અરજીમાં એવી દલીલ કરી છે કે આ પ્રોજેક્ટ હેઠળ આશ્રમની ઐતિહાસિક સ્થલાકૃતિ 1,200 કરોડ રૂપિયાના ખર્ચે સંપૂર્ણપણે બદલાવી દેવાશે. તેનાથી આના મૂળ સ્વરુપ અને મહાત્મા ગાંધીના સિદ્ધાંતો પર આધારિત લોકાચાર પર તેની નકારાત્મક અસર પડશે.
તેમણે દાવો કર્યો હતો કે આ યોજના હેઠળ 40થી વધુ ઐતિહાસિક ઇમારતોને સંરક્ષિત કરવામાં આવશે, પરંતુ બાકીના 200 ભવનોને તોડી પાડવામાં આવશે અથવા તો ફરીથી બનાવવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ગુજરાત સરકાર પોતાના રિડેવલપમેન્ટ પ્લાનને આગળ વધારવા માટે સ્વતંત્ર છે. જોકે તુષાર ગાંધી જેવા ઈતિહાસકાર અને ગાંધીવાદી વિચારધારા સાથે જોડાયેલા લોકો આ યોજના સાથે સંપૂર્ણપણે અસહમત છે.





