Supreme Court hearing on CAA : નાગરિકતા સંશોધન કાયદો : દેશભરમાંથી નાગરિકતા સંશોધન (સીએએ) વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી 200 થી વધુ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. સુપ્રીમ કોર્ટે સીએએ પર હાલ કોઈ પ્રતિબંધ લગાવવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કેન્દ્ર સરકારને નાગરિકતા કાયદા મામલે ત્રણ સપ્તાહની અંદર જવાબ આપવા માટે કહ્યું છે. સુનાવણી દરમિયાન, સીજેઆઈએ સરકારને સવાલ કર્યો હતો અને પૂછ્યું હતું કે, નોટિફિકેશન પર રોક લગાવવાની માંગ કરતી અરજીનો જવાબ આપવા માટે તેમને કેટલો સમય જોઈએ છે.
કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેંચને કહ્યું કે, સીએએ કોઈ પણ વ્યક્તિની નાગરિકતા છીનવી લેતું નથી. તેમણે કહ્યું કે, અરજીઓનો જવાબ આપવા માટે ચાર અઠવાડિયાની જરૂર છે. જોકે, કોર્ટે જવાબ દાખલ કરવા માટે માત્ર ત્રણ સપ્તાહનો સમય આપ્યો છે. કેન્દ્રએ હવે 8 એપ્રિલ સુધીમાં જવાબ આપવો પડશે અને આગામી સુનાવણી 9 એપ્રિલે થશે.
કપિલ સિબ્બલે કેન્દ્રને સમય આપવાનો વિરોધ કર્યો
અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ કપિલ સિબ્બલે સમય આપવાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદો ચાર વર્ષ જૂનો છે. એક વખત લોકોને નાગરિકતા મળી જાય પછી પાછા ફરવું મુશ્કેલ બની જશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ અરજીઓનો પાછળથી કોઈ ફાયદો રહેશે નહીં. વળી, કપિલ સિબ્બલે આ નોટિફિકેશન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી.
તો, અરજદાર વતી હાજર રહેલા અન્ય વકીલ ઇન્દિરા જયસિંગે સીએએ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, આ મામલો મોટી બેંચને મોકલવો જોઈએ. આ સાથે જ સીજેઆઈએ કહ્યું કે, કેન્દ્રને જવાબ આપવા માટે સમય આપી શકાય છે. તે થોડો સમય લાયક છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે, 200 થી વધુ અરજીઓમાંથી કેટલા કેસમાં કોર્ટે નોટિસ ફટકારી છે.
આ પણ વાંચો – INDIA Vs NDA : લોકસભા ચૂંટણી, કયા રાજ્યોમાં છે સીધી ટક્કર, કોણ ક્યાં મજબૂત, જાણો વિગતો
આસામ કેસની અલગથી સુનાવણી થશે
સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, આસામના કેસોની અલગથી સુનાવણી કરવામાં આવશે. એક અરજીકર્તાએ કહ્યું કે, 6બી(4) કહે છે કે, નાગરિકતા સંશોધન કાયદો આસામના અમુક આદિવાસી વિસ્તારોમાં લાગુ નહીં થાય. મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે. આ સાથે જ ચીફ જસ્ટિસે કહ્યું કે, સમગ્ર રાજ્ય બાકાત નથી, પરંતુ છઠ્ઠા શેડ્યુલમાં જે ભાગ સામેલ છે તે જ તેમાંથી બહાર છે.





