Electoral Bond : સુપ્રીમ કોર્ટે SBI ની અરજી ફગાવી, કહ્યું – ‘આવતીકાલ ચૂંટણી બોન્ડની સંપૂર્ણ વિગત આપે, નહીં તો…’

ચૂંટણી બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટે કડક આદેશ આપ્યો છે, કોર્ટે કહ્યું કે, આવતીકાલ 12 માર્ચ સાંજ સુધીમાં એસબીઆઈ તમામ વિગત આપે, તો ચૂંટણી પંચ પણ 15 માર્ચ સુધીમાં માહિતી પ્રકાશિત કરે.

Written by Kiran Mehta
March 11, 2024 14:13 IST
Electoral Bond : સુપ્રીમ કોર્ટે SBI ની અરજી ફગાવી, કહ્યું – ‘આવતીકાલ ચૂંટણી બોન્ડની સંપૂર્ણ વિગત આપે, નહીં તો…’
ચૂંટણી બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટનો આદેશ - express photo

Electoral Bond Issue : ઈલેક્ટોરલ બોન્ડ સાથે જોડાયેલા મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણી ભારતીય સ્ટેટ બેંક (SBI) ની અરજી પર થઈ રહી છે, જેમાં રાજકીય પક્ષો દ્વારા પ્રાપ્ત દરેક ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવા માટે 30 જૂન, 2024 સુધી સમયમર્યાદા વધારવાની વિનંતી કરવામાં આવી હતી. તો, સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે, SBI બોન્ડ સંબંધિત તમામ માહિતી આવતીકાલે મંગળવારે જ એસબીઆઈએ આપવી જોઈએ અને ચૂંટણી પંચે તેને 15 માર્ચ સુધીમાં પ્રકાશિત કરવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડની વિગતો સબમિટ કરવા માટે 30 જૂન સુધીનો સમય વધારવાની માગણી કરતી સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે SBIને 12 માર્ચ સુધીમાં ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે SBI ને ચેતવણી આપી છે કે, જો બેંક 12 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને બોન્ડની વિગતો સબમિટ નહીં કરે તો, તેની સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરાશે.

SBI એ વધારાનો સમય માંગ્યો હતો

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, બેંકને ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડની વિગતો સબમિટ કરવા માટે વધારાના સમયની જરૂર છે. સાલ્વે કહે છે કે, SBI ની એકમાત્ર સમસ્યા એ છે કે તેણે સમગ્ર પ્રક્રિયાને ઉલટાવી પડશે. એસઓપીમાં સ્પષ્ટ છે કે, અમારી કોર બેન્કિંગ સિસ્ટમ અને બોન્ડ નંબરમાં ખરીદનારનું કોઈ નામ નહોતું. અમને કહેવામાં આવ્યું હતું કે, તે ગુપ્ત રાખવું જોઈએ.

કોર્ટે SBI ને પૂછ્યું કે, તમે છેલ્લા 26 દિવસમાં શું કર્યું?

જેના પર સુપ્રીમ કોર્ટે SBI ને કહ્યું કે, તેમણે પોતાના નિર્ણયમાં બેંકને મિલાવવાનું કહ્યું નથી, અમે સ્પષ્ટ ખુલાસો કરવાનો નિર્દેશ આપ્યો છે. તેથી મેચિંગ એક્સરસાઇઝ કરવી પડશે એમ કહીને સમય માંગવો એ યોગ્ય નથી, અમે તમને આમ કરવા માટે સૂચના આપી નથી. કોર્ટે બેંકને પૂછ્યું કે, તમે છેલ્લા 26 દિવસમાં શું કર્યું? CJI એ કહ્યું કે, આ ખૂબ જ ગંભીર મામલો છે, માહિતી EC સાથે તુરંત શેર કરવી પડશે.

ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મળેલા દાનની વિગતો 6 માર્ચ સુધી માંગવામાં આવી હતી

CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચ બીજી અરજી પર પણ સુનાવણી કરશે, જેમાં SBI સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, SBI એ 6 માર્ચ સુધીમાં ચૂંટણી પંચ (EC)ને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પક્ષો દ્વારા મેળવેલા દાનની વિગતો સબમિટ કરવાની સુપ્રીમ કોર્ટની સૂચનાઓને જાણી જોઈને અવગણી હતી.

વાસ્તવમાં, પિટિશનર એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR), જેણે ચૂંટણી બોન્ડની માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે, તેણે સુપ્રીમ કોર્ટમાં અવમાનનાની અરજી દાખલ કરી છે. ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં અરજદાર ADRએ તિરસ્કારની અરજી પર વહેલી સુનાવણીની માંગ કરી છે. પ્રશાંત ભૂષણે SC માં ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે આ તિરસ્કારનો સીધો કેસ છે.

સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા છે

કોર્ટે બેંકને 12 એપ્રિલ, 2019 થી અત્યાર સુધી ખરીદેલા ઈલેક્ટોરલ બોન્ડ વિશે ચૂંટણી પંચને માહિતી આપવાનો નિર્દેશ આપ્યો હતો, જેના પર SBI એ કહ્યું કે, તે કોર્ટની સૂચનાઓનું સંપૂર્ણ પાલન કરવા માંગે છે. જો કે, ડેટાના ડીકોડિંગ અને તેના માટે સેટ કરેલ સમયમર્યાદામાં કેટલીક વ્યવહારિક મુશ્કેલીઓ છે. ચૂંટણી બોન્ડ ખરીદનારાઓની ઓળખ છુપાવવા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. હવે તેના દાતાઓની માહિતી અને તેમણે ખરીદેલા ઈલેક્ટોરલ બોન્ડની રકમને મેચ કરવી એ એક જટિલ પ્રક્રિયા છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા છે. 15 ફેબ્રુઆરી, 2024ના રોજ આપેલા ઐતિહાસિક ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે ચૂંટણી બોન્ડ યોજનાને ફગાવી દીધી હતી. ત્યારબાદ કોર્ટે તેને ગેરબંધારણીય ગણાવ્યું અને ECને 13 માર્ચ સુધીમાં દાન આપનારાઓ, દાન તરીકે આપવામાં આવેલી રકમ અને કોને તે પ્રાપ્ત કરી તે જાહેર કરવાનો આદેશ આપ્યો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ