Swati Maliwal Controversy: આમ આદમી પાર્ટી ખુલીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમારના સમર્થનમાં આવી છે. શુક્રવારે સાંજે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી આતિશીએ સ્વાતિ માલીવાલને ભાજપના ષડયંત્રનો ભાગ ગણાવી છે.
આતિશીએ કહ્યું કે જ્યારથી સીએમ કેજરીવાલ તિહાડમાંથી બહાર આવ્યા છે ત્યારથી બીજેપી રઘવાઇ બની છે. આ કારણે ભાજપે કાવતરું ઘડ્યું અને સ્વાતિ માલીવાલને વહેલી સવારે મુખ્યમંત્રીના ઘરે મોકલી દીધા હતા. તેનો હેતુ સીએમ કેજરીવાલ પર ખોટા આરોપો લગાવવાનો હતો. તેમણે કહ્યું કે સ્વાતિ માલીવાલ આ ષડયંત્રનો ચહેરો છે.
આતિશીએ વધુમાં જણાવ્યું હતું કે સ્વાતિ માલીવાલ એપોઇન્ટમેન્ટ લીધા વિના 13 મેના રોજ સીએમ આવાસ પર પહોંચી હતી. તેનો ઇરાદો સીએમ પર આરોપ લગાવવાનો હતો પરંતુ તે ઉપલબ્ધ ન હતા, તેથી તે બચી ગયા. એટલા માટે તેઓએ બિભવ કુમાર પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે આજે જે વીડિયો સામે આવ્યો છે તેનાથી તેમના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આતિશીએ સ્વાતિ માલીવાલના તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે.
સ્વાતિ માલીવાલ ઘટના સાથે જોડાયેલી ખાસ વાતો
-આતિશીએ કહ્યું કે સ્વાતિ માલીવાલ દ્વારા કરવામાં આવેલા તમામ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે.
-આતિશીએ જણાવ્યું કે કેજરીવાલના પીએ બિભવ કુમારે સ્વાતિ માલીવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને 13 મે ની ઘટના વિશે વિગતવાર જણાવ્યું છે.
-આતિશીએ જણાવ્યું કે સ્વાતિ માલીવાલે સીએમ આવાસના વેઇટિંગ રૂમમાંથી જબરદસ્તી કરી અને સીએમ આવાસની મુખ્ય ઇમારતમાં પહોંચી હતી. અહીં તેઓએ સીએમને મળવા દબાણ કર્યું હતું. ત્યારબાદ સીએમ આવાસના સ્ટાફે બિભવ કુમારને ફોન કર્યો હતો. તેમણે સ્વાતિ માલીવાલને જણાવ્યું કે આજે સીએમ ઉપલબ્ધ નથી, મળી શકશે નહીં.
આ પણ વાંચો – સ્વાતિ માલીવાલના પેટ, ચહેરા અને છાતી પર મારવાનો વિભવ પર આરોપ, ઘટના સમયે ઘરે જ હતા કેજરીવાલ : રિપોર્ટ
-દિલ્હી પોલીસની ટીમ શુક્રવારે સાંજે સ્વાતિ માલીવાલને લઇને સીએમ આવાસ પર પહોંચી હતી. જાણકારી પ્રમાણે દિલ્હી પોલીલ માલીવાલને ક્રાઇમ સીનને રિ-ક્રિએટ કરવા માટે સીએમ આવાસ પહોંચી હતી.
-આ પહેલા દિલ્હી પોલીસની FSL ટીમ પણ તપાસ માટે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. એફએસએલની ટીમ લગભગ એક કલાક સુધી મુખ્યમંત્રી આવાસની અંદર રહી હતી.
-સંજય સિંહના નિવેદન પર આતિશીએ કહ્યું કે તે સમયે તેમને માત્ર એક જ બાજુની જાણ હતી. હવે તેણે બિભવ કુમારની બાજુ પણ જાણી લીધી છે. આ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે સ્વાતિ માલીવાલ દ્વારા લગાવવામાં આવેલા આરોપો ખોટા છે.
-શુક્રવારે બપોરે આ વીડિયો સામે આવ્યા બાદ સ્વાતિ માલીવાલે કહ્યું કે પોલિટિકલ હિટમેન પોતાને બચાવવાની કોશિશ શરુ કરી દીધી છે. તેમણે કહ્યું કે તેને લાગે છે કે આ ગુનો કર્યા પછી પોતાના લોકો પાસે ટ્વિટ કરાવી અને સંદર્ભહીન વીડિયો શેર કરીને પોતાને બચાવી લેશે. શું કોઈ કોઈને માર મારતો હોય તેનો વીડિયો બનાવે ભલા? નિવાસસ્થાનની અંદર અને રૂમન સીસીટીવી ફૂટેજની તપાસ થતા જ સત્ય બધાની સામે આવી જશે.





