BJP MLA T Raja Singh Resigns: તેલંગાણાના ગોશામહલના ધારાસભ્ય ટી રાજા સિંહે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પાર્ટીના રાજ્ય નેતૃત્વ માટે ચાલી રહેલા ઝઘડા અંગે નારાજગી વ્યક્ત કરતા પ્રદેશ ભાજપ પ્રમુખ જી કિશન રેડ્ડીને પોતાનું રાજીનામું મોકલ્યું છે. ટી રાજાસિંહે કહ્યું કે ઘણા લોકોના મૌનને સંમતિ તરીકે ગણવું જોઈએ નહીં. હું માત્ર મારા માટે જ નહીં, પરંતુ અસંખ્ય કાર્યકરો અને મતદારો માટે પણ બોલું છું જેઓ વિશ્વાસ સાથે આપણી સાથે ઉભા હતા અને જેઓ આજે છેતરાયા હોવાની લાગણી અનુભવે છે.
હિંદુત્વની વિચારધારા અને ધર્મની સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા યથાવત – ટી રાજા સિંહ
પોતાના પત્રમાં રાજા સિંહે સ્પષ્ટતા કરી હતી કે તેઓ ભલે ભાજપથી અલગ થઈ રહ્યા હોય પરંતુ હિંદુત્વની વિચારધારા અને ધર્મની સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા યથાવત છે. તેમણે કહ્યું કે હું મારો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખીશ અને હિન્દુ સમુદાય સાથે વધુ મજબૂતીથી ઊભો રહીશ.
ટી રાજા સિંહે આને મુશ્કેલ પરંતુ જરૂરી નિર્ણય ગણાવતા કહ્યું કે ઘણા લોકોના મૌનને સહમતિ ન ગણવી જોઈએ. હું માત્ર મારા માટે જ નહીં, પરંતુ આજે નિરાશા અનુભવી રહેલા અસંખ્ય કાર્યકરો અને મતદારો માટે બોલું છું.
આ પણ વાંચો – અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે પીએમ મોદીએ કરી ખાસ વાતચીત, જાણો શું કહ્યું
રાજાસિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને પક્ષના મહાસચિવ બીએલ સંતોષ સહિત કેન્દ્રીય નેતૃત્વને સીધી અપીલ કરી હતી અને તેમને તેલંગાણામાં વર્તમાન નેતૃત્વની સ્થિતિ પર પુનર્વિચારણા કરવા વિનંતી કરી હતી. પત્રમાં લખવામાં આવ્યું છે કે તેલંગાણા ભાજપ માટે તૈયાર છે, પરંતુ આપણે તે તકને માન આપવા માટે યોગ્ય નેતૃત્વની પસંદગી કરવી જોઈએ અને તેને સરકી જવા દેવી જોઈએ નહીં. રાજા સિંહે પત્ર પર હસ્તાક્ષર કરતા કહ્યું કે જય હિન્દ, જય શ્રી રામ.
2018માં ભાજપને ટી રાજા સિંહના રૂપમાં એક સીટ મળી હતી
તેલંગાણા ભાજપને 2018 ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર એક જ બેઠક મળી હતી જ્યારે ટી.રાજા સિંહ ગોશામહલથી જીત મેળવી હતી. ઘણા સમય પછી એમ. રઘુનંદન રાવ અને ભૂતપૂર્વ પ્રધાન એટાલા રાજેન્દ્ર અનુક્રમે દુબ્બાક અને હુઝુરાબાદ મતવિસ્તારોથી પેટાચૂંટણી દ્વારા વિધાનસભામાં જોડાયા હતા.
2023માં રાજ્યમાં કોંગ્રેસે સત્તા મેળવી હતી
ડિસેમ્બર 2023માં તેલંગાણાની 119 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. કોંગ્રેસ પાર્ટીએ બહુમતી માટે જરૂરી 60ના આંકડાને પાર કરીને 64 બેઠકો જીતી હતી, જ્યારે શાસક ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ને 39 બેઠકો મળી હતી. ભાજપને 8, એઆઈએમઆઈએમને 7 અને સીપીઆઈને એક સીટ મળી હતી.





