jammu and Kashmir : જમ્મુ-કાશ્મીરમાં સતત થઈ રહેલા આતંકી હુમલા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની બેઠક કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પીએમે વર્તમાન સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહ સાથે લાંબી વાતચીત કરી છે. આ સિવાય એલજી મનોજ સિન્હા સાથે ચર્ચા કરી છે.
કાશ્મીરમાં શું-શું થયું?
જાણકારી માટે જણાવી દઈએ કે છેલ્લા ચાર દિવસમાં જમ્મુ-કાશ્મીરમાં ચાર એન્કાઉન્ટર થયા છે. કઠુઆથી લઈને ડોડા સુધી ઘણા વિસ્તારોમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. આ એન્કાઉન્ટરમાં એક સૈનિક શહીદ થયો છે. જ્યારે બે આતંકીઓને ઠાર કર્યા છે. જમ્મુના રિયાસીમાં થયેલા આતંકી હુમલા બાદથી ઘાટીમાં તણાવ વધી ગયો છે. તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે તેવો વાતો સામે આવી રહી છે. પરંતુ સરકારની યોજના અંગે કોઇ માહિતી બહાર આવી નથી.
સર્જિકલ, એર સ્ટ્રાઇક… હવે શું?
આ સમયે એવી ચર્ચા છે કે સેના આતંકીઓ સામે મોટું ઓપરેશન ચલાવી શકે છે. હવે આ કામગીરી હેઠળ કેટલી કાર્યવાહી થશે તે સ્પષ્ટ થયું નથી, પરંતુ સરકારે ચૂપચાપ બેસવાનો નિર્ણય લીધો નથી. મોટી વાત એ છે કે મોદી સરકાર આતંકવાદી હુમલાના જવાબમાં સર્જિકલ અને એર સ્ટ્રાઈક કરી ચૂકી છે. આ કારણે સોશિયલ મીડિયા પર ચોક્કસથી ચર્ચા થાય છે કે પછી કોઇ મોટી એક્શન શક્ય છે.
આ પણ વાંચો – અગ્નિવીર યોજના : 60-70 ટકા અગ્નિવીરોને કરવામાં આવે કાયમી, સામાન્ય સૈનિકોની જેમ થાય ટ્રેનિંગ, મોટા ફેરફારોની ચર્ચા શરુ
પાકિસ્તાન વિરુદ્ધ મળ્યા પુરાવા
એ પણ સમજવા જેવી વાત છે કે હાલના સમયમાં જેટલા પણ આતંકી હુમલા થયા છે તેમાં પાકિસ્તાનની ભૂમિકા અંગે મજબૂત પુરાવા મળ્યા છે. આમાં પાકિસ્તાનની બેટરીથી લઈને ત્યાં બનેલી ચોકલેટનો સમાવેશ થાય છે. જે બંદૂકો મળી આવી છે તેમાં પાકિસ્તાન કનેક્શન હોવાનું પણ બહાર આવ્યું છે. વિશેષજ્ઞોનું માનવું છે કે સરહદ પર યુદ્ધવિરામ હોવા છતાં આતંકીઓ સતત ઘુસણખોરી કરવામાં સક્ષમ છે. આતંકીઓ સેનાનો સીધો મુકાબલો નથી કરી રહ્યા, પરંતુ વાહનો અને ચોકીઓ પર હુમલો કરીને નુકસાન પહોંચાડી રહ્યા છે.
ગયા વર્ષે જ એવા ઈનપુટ્સ આવ્યા હતા કે સરહદ પારથી મોટી સંખ્યામાં આતંકીઓ ઘૂસણખોરી કરવાના છે. સેનાએ ઘણા આતંકીઓને ઘૂસવા ન દીધા, પરંતુ કેટલાક ચોક્કસથી જંગલોના માધ્યમથી ઘાટીમાં પહોંચી ગયા અને હવે પોતાના સ્થાનિક નેટવર્કની મદદથી હુમલો કરી રહ્યા છે. સેનાનો દાવો છે કે તેમની પાસે આતંકીઓના ઠેકાણાઓ અંગે ઇનપુટ છે. આવી સ્થિતિમાં કડક અને નિર્ણાયક કાર્યવાહી સમયસર કરવામાં આવશે.