Lok Sabha Election 2024 Phase 3 : લોકસભા ચૂંટણી 2024 ત્રીજા તબક્કા માટે 7 મેના રોજ 11 રાજ્યોની 93 બેઠકો માટે મતદાન થશે. ભાજપના કદાવર નેતા અમિત શાહ, શિવરાજ સિંહ ચૌહાણ સહિત મોટા નેતાઓનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. અહીં નોંધનિય છે કે, ત્રીજા ફેઝ માટે 95 બેઠક પર મતદાન થવાનું હતું. જોકે બે બેઠકો પર મતદાન 7 મેએ નહીં થાય. જેમાં સુરત બેઠક પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ થતાં મતદાન ટળ્યું છે અને જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાનને પગલે અનંતનાગ રાજૌરી બેઠક પર મતદાન છઠ્ઠા તબક્કામાં 25 મેએ કરાશે.
લોકસભા ચૂંટણી 2024 ત્રીજા તબક્કામાં ગુજરાત સહિત 11 રાજ્યોની 93 બેઠકો પર 1229 પુરુષ અને 123 મહિલાઓ મળી કુલ 1352 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણી વિશ્લેષક સંસ્થા એડીઆર (એશોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ) અનુસાર ત્રીજા તબક્કાના ઉમેદવારો પૈકી 244 ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે અને 392 જેટલા ઉમેદવાર કરોડપતિ છે. જેમાં ભાજપના ઉમેદવાર પલ્લવી શ્રીનિવાસ 1361.68 કરોડ, જ્યોતિરાદિત્ય સિંધિયા 424.75 કરોડ અને કોંગ્રેસના છત્રપતિ શાહૂ શાહજી 342.87 કરોડ રૂપિયા સંપત્તિ ધરાવે છે.
ગુજરાત લોકસભા ચૂંટણી 2024 : આ બેઠકો પર ટક્કર
ગુજરાત લોકસભા ચૂંટણી 2024 માટે 7 મેના રોજ 26 બેઠકો પર ચૂંટણી યોજાશે. છેલ્લી બે ટર્મથી ભાજપનો દબદબો પ્રવર્તી રહ્યો છે. તમામે તમામ 26 બેઠકો ભાજપે જીતી કોંગ્રેસનો છેદ ઉડાડ્યો છે. ચૂંટણી 2024 માં સુરત બેઠક ભાજપે મતદાન પૂર્વે જ પોતાને નામ કરી છે. જ્યારે ભરુચ અને ભાવનગર બે બેઠકો જે આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહ્યું છે એ બાદ કરતાં તમામ બેઠકો પર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. જેમાં કેટલીક બેઠકો એવી છે કે જ્યાં ટફ ફાઇટ છે. બનાસકાંઠા બેઠક પર ભાજપના રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર, રાજકોટ બેઠક પર ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલા ને કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી ટક્કર આપી રહ્યા છે. પોરબંદર બેઠક પર ભાજપના કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા સામે કોંગ્રેસના લલિત વસોયા ચૂંટણી જંગમાં છે.
લોકસભા ચૂંટણી 2024 ત્રીજો તબક્કો : સાત કેન્દ્રિય મંત્રી અને ચાર પૂર્વ મુખ્યમંત્રી
ત્રીજા તબક્કાના મતદાનમાં સાત કેન્દ્રિય મંત્રી અને ચાર પૂર્વ મુખ્યમંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે. કેન્દ્રિય મંત્રીઓની વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, લઘુ મધ્યમ ઉદ્યોગ મંત્રી નારાયણ રાણે, સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી એસ પી સિંહ, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, પર્યટન રાજ્ય મંત્રી શ્રીપદ યેસો નાઈક, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીનું ભાવિ 7 મેએ ઈવીએમમાં કેદ થશે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના બે પૂર્વ મુખ્યમંત્રીઓ શિવરાજ સિંહ ચૌહાણ અને દિગ્વિજય સિંહ તેમજ કર્ણાટકના બે પૂર્વ સીએમ બસવરાજ બોમ્મઇ અને જગદીશ શેટ્ટાર મેદાનમાં છે.
Lok Sabha Election Phase 3: ગુજરાત સહિત 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન
ક્રમ રાજ્ય બેઠક સંખ્યા બેઠક 1 ગુજરાત 25 કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્વિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી, નવસારી, વલસાડ 2 કર્ણાટક 14 ચિક્કોડી, બેલગામ, બાગલકોટ, બીજાપુર, કાલાબુરાગી, રયચૂર, બીંદર, કોપ્પલ, બેલ્લારી, હાવેરી, ધારવાડ, ઉત્તર કન્નડ, દાવણગેરે, શિમોગા 3 મહારાષ્ટ્ર 11 રાયગઢ, બારામતી, ઉસ્માનાબાદ, લાતૂર, સોલાપુર, માધા, સાંગલી, સતારા, રત્નાગિરી સિંધુદુર્ગ, કોલ્હાપુર, હટકણગલે 4 ઉત્તર પ્રદેશ 10 સંભલ, હાથરસ, આગરા, ફતેહપુર સીકરી, ફરોઝાબાદ, મૈનપુરી, એટા, બદાયૂ, આંવલા, બરેલી 5 મધ્ય પ્રદેશ 9 મુરૈના, ભિંડ, ગ્વાલિયર, ગુના, સાગર, વિદિશા, ભોપાલ, રાજગઢ, બૈતૂલ 6 છત્તિસગઢ 7 સરગુજા, રાયગઢ, જાંજગીર, કોરબા, બિલાસપુર, દુર્ગ, રાયપુર 7 બિહાર 5 ઝંઝારપુર, સુપૌલ, અરરિયા, મધેપુર, ખગડિયા 8 પશ્વિમ બંગાળ 4 માલદા ઉત્તર, માલદા દક્ષિણ, જંગીપુર, મુર્શિદાબાદ 9 અસમ 4 કોકરાઝાર, ઘુબરી, બારપેટા, ગુવાહાટી 10 ગોવા 2 ઉત્તર ગોવા, દક્ષિણ ગોવા 11 દીવ દમણ અને દાદરા નગર હવેલી 2 દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ
લોકસભા ચૂંટણી 2024 ત્રીજા તબક્કામાં ગુજરાતથી ગાંધીનગર બેઠક પર અમિત શાહ, પોરબંદર બેઠક પર મનસુખ માંડવિયા, રાજકોટ બેઠક પર પુરષોત્તમ રુપાલા સહિત દિગ્ગજ નેતાઓનું ભાવિ ઘડાશે. મધ્ય પ્રદેશમાં વિદિશા બેઠકથી શિવરાજ સિંહ ચૌહાણ, ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજગઢ બેઠકથી દિગ્વિજય સિંહ સહિત નેતાઓનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. મહારાષ્ટ્રમાં અમરાવતી બેઠક પર શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અને અજિત પવારની પત્ની સુનેત્રા પવાર વચ્ચે સીધો જંગ છે.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણી પરિણામ 2019 – વિજેતા ઉમેદવારોની યાદી
લોકસભા ચૂંટણી 2019 ફેઝ 3 મતદાન
લોકસભા ચૂંટણી 2019 ત્રીજા તબક્કામાં 13 રાજ્યોની 127 બેઠકો માટે મતદાન થયું હતું.જેમાં અસમની ચાર બેઠકો પર 85.1 ટકા, બિહારની પાંચ બેઠક પર 61.2 ટકા, છત્તિસગઢ 7 બેઠક પર 70.7 ટકા, ગોવાની 2 બેઠક પર 74.9 ટકા, ગુજરાત 26 બેઠક પર 64.1 ટકા, જમ્મુ કાશ્મીરમાં 13 ટકા, કર્ણાટક 14 બેઠક પર 68.5 ટકા, કેરલ 20 બેઠક પર 77.7 ટકા, મહારાષ્ટ્ર 14 બેઠક પર 62.4 ટકા, ઓડિશા 8 બેઠક પર 71.6 ટકા, ત્રિપુરામાં 83.2 ટકા, ઉત્તર પ્રદેશ 10 બેઠક પર 61.4 ટકા અને પશ્વિમ બંગાળ 5 બેઠક પર 82 ટકા મતદાન થયું હતું.





