Tirupati Temple Controversy : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ અગાઉની વાયએસઆરસીપી સરકાર પર આરોપ લગાવ્યો છે કે તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરમાં ચઢાવવામાં આવતી પવિત્ર મીઠાઈ એટલે કે તિરુપતિના લાડુને બનાવવામાં પ્રાણીઓની ચરબીમાંથી બનાવવામાં આવતા તેલ અને હલકી ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હતો. સીએમ નાયડૂએ આ તમામ દાવા એનડીએ વિધાયક દળની બેઠક દરમિયાન કર્યા હતા.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીએ કહ્યું કે તિરુમાલા લાડુ પણ હલકી કક્ષાની સામગ્રીમાંથી બનાવવામાં આવી રહ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે લાડુ બનાવવામાં ઘીને બદલે પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ આરોપોને પૂર્વ મુખ્યમંત્રી અને વાયએસઆરસીપીના વડા જગન મોહન રેડ્ડીએ સંપૂર્ણ રીતે ફગાવી દીધા હતા. વાયએસઆરસીપીના વરિષ્ઠ નેતા અને ટીટીડીના પૂર્વ અધ્યક્ષ વાય વી સુબ્બા રેડ્ડીએ નાયડુના નિવેદનોને દૂર્ભાવનાપૂર્ણ ગણાવ્યા હતા અને ટીડીપી નેતા પર રાજકીય લાભ માટે કોઈપણ સ્તરે ઝુકી જવાનો આરોપ લગાવ્યો હતો.
વાયએસઆરસીપીએ આક્ષેપોને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યા
વાયવી સુબ્બા રેડ્ડીએ કહ્યું કે તિરુમાલા પ્રસાદમ વિશેની તેમની ટિપ્પણી અત્યંત દૂર્ભાવનાપૂર્ણ છે. કોઈ પણ વ્યક્તિ આવા શબ્દો નહીં બોલે કે આવા આરોપો લગાવશે નહીં. આંધ્ર પ્રદેશના આઇટી પ્રધાન નારા લોકેશે અગાઉની વાયએસઆરસીપી સરકારની ટીકા કરી હતી અને પ્રસાદમાં કથિત રીતે પ્રાણીઓના તેલના ઉપયોગ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યો કે તેમાં લાખો ભક્તોની ધાર્મિક ભાવનાઓનો અનાદર થયો છે.
ટીડીપીએ ધાર્મિક આસ્થા સાથે છેડછાડનો આરોપ લગાવ્યો
ટીડીપીના પ્રવક્તા અનમ વેંકટ રમણ રેડ્ડીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ગઈકાલે કહ્યું હતું કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને પૂરા પાડવામાં આવતા ઘી બનાવવામાં એનમિલ તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડને પરીક્ષણ માટે મોકલવામાં આવેલા નમૂનાઓનો પ્રયોગશાળા અહેવાલ પુરવાર કરે છે કે તિરુમાલાને પૂરા પાડવામાં આવતા ઘીને બનાવવામાં બીફ ફેટ અને એનિમલ ફેટ્સ – લાર્ડ અને ફિશ ઓઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એસ વેલ્યુ માત્ર 19.7 છે.
આ પણ વાંચો – પીએમ મોદીએ કટરામાં કહ્યું – દુનિયાની કોઇ તાકાત 370ને પાછી લાવી શકશે નહીં
ટીડીપી નેતાએ આ મુદ્દે કહ્યું કે આ હિન્દુ ધર્મનું અપમાન છે. દિવસમાં ત્રણ વાર ભગવાનને ચઢાવવામાં આવતા પ્રસાદ માં આ ઘી ભેળવવામાં આવ્યું છે. અમે આશા રાખીએ છીએ કે ન્યાય જીતશે અને ભગવાન ગોવિંદ આપણે જે પણ ભૂલો કરી છે તેના માટે અમને માફ કરશે.
કોંગ્રેસે પણ આપી પ્રતિક્રિયા
આંધ્રપ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ વાય એસ શર્મિલાએ માંગ કરી હતી કે નાયડુને તેમની ટિપ્પણી માટે જવાબદાર ઠેરવવા જોઈએ. તેમણે મંદિરની પવિત્રતાની રક્ષાની જરૂરિયાત પર ભાર મૂકતા તેમના આક્ષેપો સાચા હોય તો ઉચ્ચ સ્તરીય તપાસની રચના કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે ટીડીપી અને વાયએસઆરસીપી ઘૃણાસ્પદ રાજનીતિ કરી રહ્યા છે, તિરુમાલાનું અપમાન કરી રહ્યા છે અને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યા છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે અમે ચંદ્રાબાબુ ગારુ પાસેથી કાર્યવાહીની માંગ કરીએ છીએ. જો તમારા આક્ષેપો રાજકીય રીતથી પ્રેરિત નહીં અને તમે ભાવનાઓ પર રાજનીતિ કરવાનો ઇરાદો રાખતા નથી. જો ખરેખર ઘીને બદલે પ્રાણીઓના તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તરત જ એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરો કે સીબીઆઈ તપાસ કરાવો.