Today Latest News Update in Gujarati 10 June 2025: ભારતીય અર્થતંત્ર 2025-26માં 6.3ટકાના દરે વૃદ્ધિ પામશે, વિશ્વ બેંકે મંગળવારે ચાલુ નાણાકીય વર્ષ માટે તેના જીડીપી વૃદ્ધિ દરના અનુમાનને જાળવી રાખ્યું છે. એપ્રિલ 2025માં તેમાં 40 બેસિસ પોઈન્ટ (બીપીએસ)નો ઘટાડો કર્યો હતો તેમ છતાં તેણે ચેતવણી આપી હતી કે વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે રોકાણની ગતિ ધીમી પડી શકે છે. જોકે 6.3 ટકાના અંદાજિત દરે પણ ભારત સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર રહેશે. વિશ્વ બેંકે તેના ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટમાં જણાવ્યું છે.
રાજકોટમાં કોરોનાથી પહેલું મોત, ગુજરાતમાં 1100ને પાર સક્રિય કેસ
ગુજરાતમાં ધીમે ધીમે કોરોના વાયરસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હેલ્થ વિભાગે આપેલા આંકડા પ્રમાણે સોમવારે રાજ્યમાં કોરોનાના 235 નવા કેસ નોંધાયા. જેથી એક્ટિવ કેસોની સંખ્યા 1109 પર પહોંચી છે. હાલ 33 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે 106 જેટલા દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે. આ સાથે જ રાજકોટમાં કોરોનાથી પહેલું મોત નોંધાયાના સમાચાર આવી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં રહેતા 55 વર્ષીય પુરુષે હોસ્પિટલમાં મોતને ભેટ્યા હતા. તેમને છેલ્લા ચાર દિવસથી કોરોનાના લક્ષણો હતા, 3-4 દિવસ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું હતું.
ઓસ્ટ્રિયાની એક સ્કૂલમાં ભીષણ ગોળીબારી, 11 ના મોત
ઓસ્ટ્રિયાથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અહીંની એક સ્કૂલમાં હુમલાખોર દ્વારા ભીષણ ગોળીબારી કરવામાં આવી હતી. જેમાં 11 લોકોના મોતના સમાચાર છે. રોયટર્સ ન્યૂઝ એજન્સીએ ત્યાંના એક સ્થાનિક અખબારને ટાંકીને જણાવ્યું છે કે ઓસ્ટ્રિયાના ગ્રાઝ શહેરમાં મંગળવારે એક શૂટરે સ્કૂલમાં ગોળીબાર કર્યો હતો. જેમાં 11 લોકોના મોત થયા છે.
ભારતમાં કોરોનાનો નવો પ્રકાર XFG સામે આવ્યો
ભારતમાં કોરોનાના કેસ સતત ઝડપથી વધી રહ્યા છે, ગયા મહિનાથી વધવા માંડેલા કેસોની સંખ્યા હવે 64101 પર પહોંચી ગઈ છે. ચિંતાની વાત એ છે કે ભારતમાં કોરોનાનો એક નવો પ્રકાર પણ સામે આવ્યો છે, તેનું નામ XFG છે. આ નવો કોવિડ પ્રકાર મનુષ્યોની સૌથી મજબૂત રોગપ્રતિકારક શક્તિને પણ ટાળવામાં સક્ષમ છે. હાલમાં, આ નવા પ્રકારના 163 કેસ નોંધાયા છે, અહીં પણ મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય માનવામાં આવે છે.
દેશમાં વધતા કોરોના કેસોની વાત કરીએ તો, 22 મેના રોજ ફક્ત 257 સક્રિય દર્દીઓ હતા, જ્યારે 10 જૂનના રોજ આ આંકડો વધીને 64101 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, દેશમાં 358 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે, અહીં પણ 624 લોકો આ ચેપમાંથી સ્વસ્થ પણ થયા છે.





