Today Latest News Update in Gujarati 17 June 2025: ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે તેહરાનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને શહેરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તેહરાનમાં હાજર ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષા કારણોસર શહેરની બહાર મોકલી દેવામાં આવ્યા છે, જેની વ્યવસ્થા ભારતીય દૂતાવાસે કરી હતી. મંત્રાલયે કહ્યું કે અન્ય ભારતીય રહેવાસીઓ, જેઓ પોતાની મુસાફરીની વ્યવસ્થા જાતે કરી શકે છે, તેમને પણ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેર છોડી દેવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક ભારતીયોને આર્મેનિયાની સરહદ દ્વારા બહાર કાઢવામાં મદદ કરવામાં આવી છે. દૂતાવાસ ભારતીય નાગરિકો સાથે સતત સંપર્કમાં છે.
G7 સમિટમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને ઘટાડવાના પ્રયાસો
સોમવારે કેનેડામાં શરૂ થયેલી G7 સમિટમાં વૈશ્વિક નેતાઓએ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને ઘટાડવાનો પ્રયાસ કર્યો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોને તાત્કાલિક વાતચીત શરૂ કરવાની અપીલ કરી. તેમણે પત્રકારોને કહ્યું, “તેઓએ વાત કરવી જોઈએ અને તે તાત્કાલિક કરવી જોઈએ.” બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું કે બધા G7 દેશો માને છે કે આ સંઘર્ષને વધતો અટકાવવો મહત્વપૂર્ણ છે, કારણ કે તે ગાઝાની પરિસ્થિતિ અને વૈશ્વિક અર્થતંત્રને અસર કરી શકે છે.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના કેસઃ 163ના DNA મેચ થયા
12 જૂન 2025ના રોજ થયેલી અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાંથી 163 મૃતકોના DNA મેચ થયા છે. જ્યારે અત્યાર સુધી 124 લોકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.





