Today Latest News in Gujarati 22 June 2025: અમેરિકાએ ઈરાનના 3 પરમાણું મથકો પર રવિવારે સવારે હુમલો કર્યો છે. આ સાથે ઈઝરાયલ ઈરાન યુદ્ધમાં અમેરિકાએ ઝપલાવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી ઈરાન પર હુમલો કર્યાની જાણકારી આપી હતી. આ દરમિયાન ઈરાને ઈઝરાયલ પર મિસાઇલ એટેક તેજ કરી દીધા છે. જેના કારણે સમગ્ર દેશમાં સાયરન વાગી રહી છે. ધ ગાર્જિયન અનુસાર, લોકોએ જણાવ્યું કે, તેમણે યરુશેલમ અને તેલ અવીવમાં જોરદાર બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો છે.
ગુજરાતમાં આજે 8300થી વધુ ગ્રામ પંચાયત ચૂંટણી માટે મતદાન
ગુજરાતમાં આજે 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. આજે ગ્રામ પંચાયતો માટે સવારે 7 વાગે મતદાન શરૂ થઇ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી વોટિંગ ચાલશે. રાજ્યમાં લગભગ 81 લાખ મતદારો પોતાના મતદાન હકનો ઉપયોગ કરશે. આ ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ 25 જૂન જાહેર થશે. મહીસાગર જિલ્લામાં પંચાયત ચૂંટણીમાં મતદાન કરવા જઇ રહેલા મતદારોના વાહનને અકસ્માત નડ્યો છે. આ એક્સિડેન્ટમાં 2 લોકોના મોત થયા છે અને 13 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
ચંદીગઢ લખનઉ ઈન્ડિગો ફ્લાઇટ ટેકનિકલ કારણોસર રદ
ચંદીગઢ થી લખનઉ જતી ઈન્ડિગોની ફાઇલટ 6E 146 રદ કરવામાં આવી છે. ફ્લાઇટના પાયલોટને ઉડાનની પહેલા તપાસ દરમિયાન ટેકનિકલ સમસ્યા જણાઇ હતી. ફ્લાઇટ ટેક ઓફ કરવાની પહેલા ટેક્નિકલ ખામી જણાઇ હતી અને સાવચેતીના પગલે તમામ પેસેન્જરને એરક્રાફ્ટ માંથી ઉતારી દેવામાં આવ્યા છે. ફ્લાઇટ રદ થતા પેસેન્જરોને વૈકલ્પિક ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યા છે અથવા સંપૂર્ણ વિમાન ભાડું પરત કરવામાં આવ્યું છે- સુત્રો.





