Today Latest News Update in Gujarati 24 July 2025: આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આરજેડીના નેતૃત્વવાળા મહાગઠબંધનમાં સીટોની વહેંચણી પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોર્ચા (જેએમએમ)એ મહાગઠબંધનને મુશ્કેલીમાં મૂકી દીધું છે. જેએમએમએ 12 બેઠકોની માંગ કરી છે. ઝારખંડમાં જેએમએમનું શાસન છે, જ્યાં હેમંત સોરેન મુખ્યમંત્રી છે. ઝારખંડમાં જેએમએમ ગઠબંધનનું નેતૃત્વ કરી રહી છે, પરંતુ બિહારમાં તેનો સમાવેશ થતો નથી. સૂત્રોએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે જેએમએમ અને આરજેડી વચ્ચે 243 સભ્યોની બિહાર વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંગે અનૌપચારિક ચર્ચા થઈ છે. જોકે હજુ સુધી આ અંગે બંને પક્ષો વચ્ચે કોઇ ઔપચારિક બેઠક યોજાઇ નથી.
જેએમએમના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે આરજેડીએ આ ઉપકારનો બદલો વાળવો જોઈએ. અમને ખાતરી છે કે આરજેડી આ વખતે મહાગઠબંધનમાં જેએમએમનો સમાવેશ કરશે અને આગામી ચૂંટણીઓમાં અમને સારી એવી બેઠકો આપશે. જેએમએમના બિહારના મહાસચિવ સીતરમન સિંહે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે પાર્ટીએ આરજેડીને તેની 12 મજબૂત બેઠકોની યાદી આપી છે.