Today Latest News Update in Gujarati 25 June 2025: અમદાવાદ શહેરમાં બુધવારે 25 જૂને સાંજ બાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. પાલડી, જમાલપુર, મણિનગર, કાંકરિયા, રાણીપ, વાડજ, સેટેલાઈટ, પ્રહલાદનગર, જોધપુર, એલિસબ્રિજ, વસ્ત્રાપુર, બોડકદેવ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. બે થી ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતા પૂર્વના ઓઢવ, મણિનગર અને હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
751 ગ્રામ પંચાયતોમાં સમરસ
ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે ત્યારે પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્યાર સુધીમાં કુલ 751 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે. હવે ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થશા છે.
પરમાણુ સુવિધાઓનો નાશ કરીને યુદ્ધ બંધ કરવું એ મારા માટે સન્માન છે : ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય લેતા થાકતા નથી લાગતા. હવે અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું છે કે ઇઝરાયલ અને ઈરાન બંને સમાન રીતે યુદ્ધ બંધ કરવા માંગે છે. તેમણે વધુમાં કહ્યું કે ઈરાનની તમામ પરમાણુ સુવિધાઓ અને ક્ષમતાઓનો નાશ કરીને યુદ્ધ બંધ કરવું એ તેમના માટે સન્માન છે.
અગાઉ, તેમણે યુદ્ધવિરામ પછી ઈરાન અને ઇઝરાયલ બંને દ્વારા છોડવામાં આવેલી મિસાઇલો પર નારાજગી વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને ચેતવણી આપી હતી કે તે તેના પાઇલટ્સને પાછા બોલાવે કારણ કે તેઓ ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધવિરામ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ટ્રમ્પે પત્રકારોને એમ પણ કહ્યું હતું કે ઇઝરાયલ અને ઈરાને મંગળવારની દુશ્મનાવટ સમાપ્ત કરવાની સમયમર્યાદા પછી હુમલાઓ કરીને યુદ્ધવિરામની શરતોનું ઉલ્લંઘન કર્યું છે.





