Today Latest News Update in Gujarati 28 August 2025: જમ્મુ અને કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં ભારતીય સેના અને સ્થાનિક પોલીસનું આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું, જેમાં સૈનિકોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સેનાએ ગુરુવારે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) પર ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર પોલીસને સંભવિત ઘુસણખોરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ ભારતીય સેના અને પોલીસે સંયુક્ત કાર્યવાહી શરૂ કરી હતી. સતર્ક સૈનિકોએ શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ અને ઘુસણખોરોને પડકાર ફેંક્યો, જેના પર આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. સેનાએ જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા.