Today Latest News Update in Gujarati 28 June 2025: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહિલા ટી20 શ્રેણીની પહેલી મેચમાં સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરતા માત્ર 62 બોલમાં 112 રન બનાવ્યા હતા. જેમાં પાંચ ફોર અને ત્રણ સિક્સર ફટકારી હતી. આ 28 વર્ષીય મંધાનાની ટી20 માં પહેલી સદી છે. સ્મૃતિ મંધાના ક્રિકેટના ત્રણેય ફોર્મેટ એટલે કે ટેસ્ટ, વનડે ઇન્ટરનેશનલ અને ટી20 માં સદી ફટકારનાર એકમાત્ર ભારતીય મહિલા ક્રિકેટર બની છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો, 13 સૈનિકોના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં થયેલા એક મોટા આત્મઘાતી બોમ્બ હુમલામાં 13 સૈનિકોના મોત થયા છે અને બે ડઝનથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મીર અલીના ખાદી માર્કેટમાં થયેલા હુમલામાં ઘાયલ થયેલા લોકોમાં એક ડઝનથી વધુ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે.
ખામેની પરના નિવેદન પર ઈરાને અમેરિકન રાષ્ટ્રપતિને ચેતવણી આપી
ઈરાને તેના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીની નિંદા કરી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ટ્રમ્પને ચેતવણી આપી હતી કે જો તેઓ ખામેની સાથે કોઈ કરાર કરવા માંગતા હોય, તો તેમણે ‘પોતાનો સ્વર અલગ રાખવો પડશે’. વિદેશ મંત્રી અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાનો મુદ્દો સ્પષ્ટ અને મજબૂત રીતે રજૂ કર્યો.
વિદેશ મંત્રી અરાઘચીએ કહ્યું, ‘જો રાષ્ટ્રપતિ ટ્રમ્પ ખરેખર કોઈ કરાર પર પહોંચવા માંગતા હોય, તો તેમણે ઈરાની સુપ્રીમ લીડર ગ્રાન્ડ આયાતુલ્લાહ ખામેની માટે પોતાનો અપમાનજનક અને અસ્વીકાર્ય સ્વર છોડી દેવો જોઈએ અને તેમના લાખો સમર્થકોને નુકસાન પહોંચાડવાનું બંધ કરવું જોઈએ.’
રાજસ્થાનના દૌસામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, ચારના મોત
રાજસ્થાનના દૌસામાં મોડી રાત્રે એક કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. ડીએસપી રવિ પ્રકાશે જણાવ્યું કે નેશનલ હાઈવે પર ઈલેક્ટ્રિક ચાર રસ્તા પાસે એક ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. કારમાં સવાર તમામ ચાર લોકો, ત્રણ મહિલા અને એક પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તપાસના આદેશ આપ્યા છે.





