Today Latest News Update in Gujarati 9 June 2025: મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફ જતી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી પાંચ મુસાફરોના મોતની આશંકા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા 12 મુસાફરો ટ્રેનમાંથી પડી ગયા છે. અધિકારીઓનું માનવું છે કે ટ્રેનમાં વધુ ભીડ હોવાથી લોકો ડબ્બામાંથી પડી ગયા હતા. અહેવાલ મુજબ, મુસાફરો ભીડને કારણે દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા. રેલ્વે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાની તપાસ ચાલી રહી છે. આ ઘટના બાદ લોકલ ટ્રેન સેવાઓ પણ પ્રભાવિત થઈ છે.
એવું કહેવાય છે કે પુષ્પક એક્સપ્રેસ મુંબઈથી લખનૌ જઈ રહી હતી અને દિવા-મુમ્બ્રા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મુસાફરો પડી ગયા હતા. અધિકારીઓ અકસ્માતનું સાચું કારણ શું હતું તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે બધા રોજિંદા મુસાફરો હતા જે રાબેતા મુજબ મુસાફરી કરી રહ્યા હતા.
મહેન્દ્ર સિંહ ધોનીની ICC હોલ ઓફ ફેમમાં એન્ટ્રી
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સોમવારે લંડનમાં એક સમારોહ દરમિયાન ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો છે. ધોનીને આઈસીસી દ્વારા 115 ખેલાડીઓની યાદીમાં સાત નવા ખેલાડીઓ સાથે સામેલ કરવામાં આવ્યો છે. ICC દ્વારા સન્માનિત થનારા તે 11 મો ભારતીય ખેલાડી બન્યો છે. 9 મેન્સ અને 2 વિમેન્સ પ્લેયર્સ સામેલ છે. ICC અનુસાર હોલ ઓફ ફેમનો હેતુ રમતમાં મહાન યોગદાન આપનારા દિગ્ગજોનું સન્માન કરવાનો અને તેમની સિદ્ધિઓની ઉજવણી કરવાનો છે.
ગુજરાતની શાળાઓમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ
આજે 9 જૂન 2025, સોમવારથી ગુજરાત રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. આજથી સરકારી અને ખાનગી શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરુ થયું છે. પહેલા ધોરણથી લઈને 12માં ધોરણ સુધીના તમામ વર્ગો આજથી શરુ થયા છે. સીબીએસસી બોર્ડની સ્કૂલોમાં પણ આજથી જ પ્રારંભ થયો છે.
રાજ્ય શિક્ષણ બોર્ડની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં 9 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થતા જ વેકેશનના માહોલમાંથી બહાર નીકળી અભ્યાસ તરફ વળ્યા છે. સવાર પાળીમાં મોટા ભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સ્કૂલો ચાલશે. જ્યારે બપોરે પ્રાથમિક માધ્યમની સ્કૂલો શરૂ થશે.
અમેરિકામાં વિરોધ પ્રદર્શનોને રોકવા માટે સેના તૈનાત
લોસ એન્જલસમાં 2,000 નેશનલ ગાર્ડ સૈનિકો તૈનાત કરવાના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી અસંમતિ અને વિરોધ પ્રદર્શનો પર ‘ગહન અસર’ પડી શકે છે. આ તૈનાત એવા સમયે કરવામાં આવી હતી જ્યારે ઇમિગ્રેશન દરોડા પછી ફેડરલ એજન્સીઓ વિરોધીઓ સાથે અથડામણ કરી હતી. રવિવારે (8 જૂન) ના રોજ સમાચાર એજન્સી રોઇટર્સ સાથે વાત કરતા એક વિશ્લેષકે આ વાત કહી હતી. વિરોધ પ્રદર્શનો પછી, પોલીસ અને ફેડરલ બોર્ડર પેટ્રોલ એજન્ટો કેટલાક વિરોધીઓ સાથે અથડાયા હતા, જેમાં વિરોધીઓ પર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા.
નોર્થઇસ્ટર્ન યુનિવર્સિટી લો સ્કૂલના પ્રોફેસર ડેનિયલ ઉર્મને કહ્યું કે ટ્રમ્પને ‘બળવો’ જેવી પરિસ્થિતિમાં નેશનલ ગાર્ડ તૈનાત કરવાનો કાયદેસર અધિકાર છે, પરંતુ સામાન્ય રીતે આ રાજ્યપાલની વિનંતી પર કરવામાં આવે છે, જ્યારે મોટા પાયે અશાંતિ હોય છે. પરંતુ લોસ એન્જલસમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો આ સ્તરે પહોંચ્યા નથી.





