Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 10 March 2025, આજના તાજા સમાચાર: મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ (AI119)ને ધમકી પત્ર મળ્યો છે. આ પછી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ફ્લાઈટને મિડ ફ્લાઈટ પરત કરવી પડી હતી. એર ઈન્ડિયાના એક નિવેદન અનુસાર, વિમાનને ધમકી મળ્યા બાદ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરીને ફ્લાઇટ સવારે 10.25 વાગ્યે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. 11 માર્ચે સવારે 5 વાગ્યાની ફ્લાઈટ રિશેડ્યૂલ કરવામાં આવી છે.
બિહારમાં ધોળા દિવસે 25 કરોડ રૂપિયાની લૂંટ
બિહારના આરામાં તનિષ્કના જ્વેલરી શોરૂમમાં બદમાશોએ 25 કરોડ રૂપિયાની લૂંટ ચલાવી હતી, જે બાદ પોલીસે બે બદમાશોને એન્કાઉન્ટરમાં ઇજાગ્રસ્ત કર્યા છે. તસ્કરોએ શો-રૂમમાં ધોળે દહાડે લૂંટ ચલાવી સોના-ચાંદીના હીરાના દાગીના તેમજ રોકડ રકમ લઇ ફરાર થઇ ગયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર આરોપીઓનું એન્કાઉન્ટર થયું છે, જેમાં તેમને ગોળી વાગી છે અને બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, 7 લોકોના કરૂણ મોત
મધ્યપ્રદેશના સિધીમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ માર્ગ અકસ્માતમાં 7 લોકોના દુઃખદ મોત થયા હતા, જ્યારે 13 લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. આ અકસ્માત સામસામે અથડાતા સર્જાયો હતો.
માર્ક કાર્ને કે જે કેનેડાના આગામી વડાપ્રધાન બનશે
કેનેડાની લિબરલ પાર્ટીએ માર્ક કાર્નેને તેના નેતા તરીકે ચૂંટ્યા છે અને કેનેડાના વડા પ્રધાન તરીકે જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે. જસ્ટિન ટ્રુડોએ જાન્યુઆરીની શરૂઆતમાં રાજીનામું આપવાનો તેમનો ઈરાદો જાહેર કર્યો હતો. CTV ન્યૂઝના અહેવાલો અનુસાર, કાર્ને, બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર, છેલ્લા બે મહિનાથી નેતૃત્વની રેસમાં સૌથી આગળ રહ્યા પછી થોડા દિવસોમાં કેનેડાના આગામી PM બનશે.
ગુજરાતમાં ગરમી વિશે હવામાન વિભાગે શું કરી આગાહી?
ગુજરાતમાં ઉનાળાની એન્ટ્રીના પગલે હવામાન વિભાગે પણ ગરમી વિશે આગાહી કરવાનું શરુ કરી દીધું છે. ગુજરાતમાં આગામી ચાર દિવસમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. ત્યારે સોમવારે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને કચ્છમાં હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે.





