Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 12 May 2025, આજના તાજા સમાચાર: પીએમ નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત દેશના લોકોને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે હું સૌથી પહેલા ભારતની પરાક્રમી સેનાને, સશસ્ત્ર બળોને, આપણી જાસુસી એજન્સીઓને, આપણા વૈજ્ઞાનિકોને દરેક ભારતવાસી તરફથી સેલ્યુટ કરું છું. આપણા વીર સૈનિકોએ ઓપરેશન સિંદૂરનાં લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે અસીમ શૌર્યનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. હું તેમની વીરતા, તેમના સાહસ, તેમના પરાક્રમને આજે આપણા દેશની દરેક માતા, બહેન અને પુત્રીને સમર્પિત કરું છું.
પીએમ મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર માત્ર એક નામ નથી, તે દેશના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે.ઓપરેશન સિંદૂર એ ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે. 6 મે ની મોડી રાત્રે અને 7 મેની વહેલી સવારે આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં બદલતા જોઇ છે.
ભારતીય સેનાએ કહ્યું – આપણી એર સિસ્ટમને ભેદવી અશક્ય
ભારતીય સેનાના ત્રણેય વડાઓએ ‘ઓપરેશન સિંદૂર’ અને ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપવા માટે પ્રેસ બ્રીફિંગ કરી હતી. પ્રેસ બ્રીફિંગમાં એર માર્શલ એકે ભારતીએ કહ્યું કે અમારી લડાઈ આતંકવાદ અને આતંકવાદીઓ સામે છે. તેથી અમે પહેલા આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો. પરંતુ પાકિસ્તાને આતંકવાદીઓને સાથ આપવાનું યોગ્ય માન્યું. તેથી પાકિસ્તાને આ લડાઈને પોતાની લડાઈ બનાવી તેથી તેમને જવાબ આપવો જરૂરી હતો. આપણી એર સિસ્ટમને ભેદવી અશક્ય છે.





