Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 14 March 2025, આજના તાજા સમાચાર: માર્ક કાર્નીએ શુક્રવારે કેનેડાના 24માં વડા પ્રધાન તરીકે શપથ લીધા છે. કાર્ની જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે. ટ્રુડો 2015થી કેનેડાના વડા પ્રધાન હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પાછા ફર્યા પછી અમેરિકા સાથે બગડતા સંબંધો વચ્ચે માર્ક કાર્નીએ સરકારની બાગડોર સંભાળી છે.
‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જીના પિતા દેબનું નિધન
એક તરફ દેશમાં હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના પિતા અને જૂના અભિનેતા દેબ મુખર્જીનું અવસાન થયું છે. તેમણે 83 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. જોકે, આજે 14 માર્ચે હોળીના દિવસે મુંબઈમાં તેમના ઘરે તેમનું અવસાન થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે દેબ મુખર્જીના અંતિમ સંસ્કાર પણ આજે સાંજે વિલે પાર્લેના પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશના સંભલમાં હોળી અને જુમ્માની નમાજ શાંતિમય વાતાવરણમાં સંપન્ન
ઉત્તર પ્રદેશના સંભલમાં હોળી અને જુમ્માની નમાઝ શાંતિમય વાતાવરણમાં સંપન્ન થઇ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા યુપી પોલીસના સીઓ અનુજ ચૌધરીએ કહ્યું કે બધાએ હોળીને ખૂબ જ પ્રેમથી ઉજવી છે, ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ફરિયાદ ન હતી. નમાજ પણ શાંતિપૂર્ણ રહી હતી. હોળીની શોભાયાત્રા અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે મસ્જિદની પાછળ વિશાળ શોભાયાત્રા નીકળી હતી. લગભગ 3000 લોકો હશે. બધું જ બરાબર રહ્યું છે. સંભલ તરફથી દરેક માટે એક સારો સંદેશ છે કે અહીં શાંતિ અને વ્યવસ્થા સંપૂર્ણપણે જળવાઈ રહે છે અને અહીંના સમુદાયોમાં ભાઈચારો છે.
કુકી-જો કાઉન્સિલે મણિપુરમાં બંધ હટાવવાની જાહેરાત કરી
કુકી જો કાઉન્સિલે ગુરુવારે સાંજે જાહેરાત કરી કે તેણે મણિપુરના કુકી-જો વિસ્તારોમાં લાદવામાં આવેલ બંધ હટાવી લીધો છે. આ બંધ 8 માર્ચે લાદવામાં આવ્યો હતો. જોકે, કાઉન્સિલે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે કેન્દ્ર સરકારની ફ્રી મૂવમેન્ટ સ્કીમનો વિરોધ કરવાનું ચાલુ રાખશે. કાંગપોકપી જિલ્લામાં કુકી-જો વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઉગ્ર અથડામણ અને હિંસા બાદ કાઉન્સિલ દ્વારા 8 માર્ચે બંધની જાહેરાત કરવામાં આવી હતી. આ હિંસામાં એક યુવકનું મોત થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં સુરક્ષાકર્મીઓનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતમાં પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી ઘટાડો નોંધાશેઃ હવામાન વિભાગ
ગુજરાતમાં આગામી પાંચ દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી ઘટાડો થવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. જોકે, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદરમાં હિટવેવની આગાહી કરી છે.





