Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 14 May 2025, આજના તાજા સમાચાર: જસ્ટિસ બીઆર ગવઈએ આજે ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. જસ્ટિસ ગવઈ ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. તેમનું પુરુ નામ ભૂષણ રામકૃષ્ણ ગવઈ છે. તેઓ 23 નવેમ્બર, 2025 ના રોજ નિવૃત્તિ સુધી આ પદ પર રહેશે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિવૃત્તિ વય 65 વર્ષ છે.
જસ્ટિસ ગવઈ મહારાષ્ટ્રના અમરાવતીના રહેવાસી છે. તેઓ 16 માર્ચ, 1985ના રોજ બારમાં જોડાયા અને 1987 સુધી બોમ્બે હાઈકોર્ટના ભૂતપૂર્વ એડવોકેટ જનરલ અને ન્યાયાધીશ રાજા એસ ભોંસલે સાથે કામ કર્યું. 1990 પછી, તેમણે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં બંધારણીય અને વહીવટી કાયદામાં પ્રેક્ટિસ કરી. તેઓ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન, અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમરાવતી યુનિવર્સિટીના વકીલ પણ રહી ચૂક્યા છે.
કેન્દ્રીય મંત્રીમંડળે જેવરમાં ભારતના છઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશના જેવરમાં ભારતના છઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી છે. ભારત સેમિકન્ડક્ટર મિશન હેઠળ અત્યાર સુધીમાં 5 સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપવામાં આવી છે અને ત્યાં બાંધકામનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ વર્ષે એક યુનિટમાં ઉત્પાદન શરૂ થશે. આ શ્રેણીમાં બીજું સુપર-એડવાન્સ્ડ યુનિટ છે. તે HCL અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ છે.
UP માં ઓપરેશન સિંદૂર વિશે અફવા ફેલાવનાર 25 લોકોની ધરપકડ
તાજેતરમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં કાર્યરત આતંકવાદી ઠેકાણાઓ પર ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાને લઈને સરહદ પર તેમજ સોશિયલ મીડિયા પર વાતાવરણ ખૂબ ગરમાયું હતું. ઘણા લોકોએ ઓપરેશન સિંદૂર અંગે ભારતીય સૈનિકોને પ્રોત્સાહન આપ્યું, પરંતુ ઘણા લોકો એવા હતા જેઓ ઓપરેશન સિંદૂર વિશે ખોટા સમાચાર અને અફવાઓ ફેલાવવાનું કામ કરતા હતા.
હવે ઉત્તર પ્રદેશ પોલીસે અફવા ફેલાવનારા આવા લોકો સામે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. ઉત્તર પ્રદેશ પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે તેણે અફવાઓ અને ખોટી માહિતી ફેલાવતા 37 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ઓળખ કરી છે અને તેમને બ્લોક કરવાની તૈયારી કરી રહી છે.
પોલીસે જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ખોટા સમાચાર અને અફવાઓથી લોકોને ગેરમાર્ગે દોરવાના આરોપમાં FIR નોંધવામાં આવી છે અને અત્યાર સુધીમાં 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર બુલંદશહેર, કાનપુર, સંભલ, બલરામપુર, સંત કબીર નગર, કુશીનગર અને કેટલાક અન્ય જિલ્લાઓમાં FIR નોંધવામાં આવી છે.





