Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 15 March 2025, આજના તાજા સમાચાર: હરિયાણામાં બીજેપી નેતાની ગોળી મારીને હત્યા. આ ઘટના પાછળ જમીન વિવાદ હોવાનું કહેવાય છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને એફએસએલ ટીમે સેમ્પલ લીધા છે. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે ખાનપુર મેડિકલમાં મોકલી આપ્યો છે. જવાહરા ભાજપના મુદલાના મંડલ પ્રમુખ હતા.
તમને જણાવી દઈએ કે સોનીપતમાં શુક્રવારે (14 માર્ચ) હોળીના દિવસે બીજેપી નેતા મુંડલાના મંડળના પ્રમુખ સુરેન્દ્ર જવાહરાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મોડી રાત્રે પાડોશીએ તેને ગામમાં ગોળી મારી. જમીન વિવાદના કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
મુંબઈ ઇન્ડિયન્સ વિમેન્સ પ્રીમિયર લીગમાં બીજી વખત ચેમ્પિયન
મુંબઈ ઇન્ડિયન્સ વિમેન્સ પ્રીમિયર લીગમાં બીજી વખત ચેમ્પિયન બન્યું છે. મુંબઈએ ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ સામે 8 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. મુંબઈ વુમન્સે 20 ઓવરમાં 7 વિકેટે 149 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 20 ઓવરમાં 9 વિકેટે 141 રન બનાવી શક્યું હતું.
વડોદરા કાર અકસ્માત – પોલીસ કમિશનરે કહ્યું – પોલીસ અને FSL એ ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા
વડોદરા કાર અકસ્માતની ઘટના અંગે વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમારે જણાવ્યું કે પોલીસ અને FSL એ ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે. CCTV ફૂટેજ લેવામાં આવ્યા છે. ડ્રાઇવર રક્ષિત ચૌરસિયા LLBનો વિદ્યાર્થી છે, તેની સાથે કારમાં એક અન્ય વ્યક્તિ પ્રાંશુ ચૌહાણ હતો. ઘટના સમયે નશાની તપાસ માટે તેમના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. અકસ્માતમાં કુલ 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને એક મહિલાનું મોત થયું હતું.
ઈરાક અને અમેરિકાએ ખતરનાક આતંકવાદી અબુ ખાદીજાને ઠાર માર્યો
ઈરાક અને સીરિયામાં ઈસ્લામિક સ્ટેટના ટોચના નેતા અબુ ખાદીજાનું મોત થયું છે. ઈરાકના વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીએ શુક્રવારે આ માહિતી આપી હતી. સુદાનીના જણાવ્યા અનુસાર અબુ ખાદીજાને ઈરાકી સુરક્ષા દળોએ અમેરિકાના નેતૃત્વમાં ગઠબંધન દળોના સહયોગથી માર્યો હતો. અબુ ખાદીજાને અબ્દુલ્લા મકી મુસ્લેહ અલ-રીફાઈ તરીકે પણ ઓળખવામાં આવતી હતી. અબુ ખાદીજાની ગણતરી ઈરાકની સાથે સાથે દુનિયાભરના ખતરનાક આતંકવાદીઓમાં થતી હતી.
અબુ ખાદીજાની હત્યાને ISIS માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. અબુ ખાદીજા ISISના ટોચના નેતાઓમાંનો એક હતો અને ‘ખલીફા’ એટલે કે સંગઠનના વૈશ્વિક નેતાના પદ માટે દાવેદાર હતો. અબુ ખાદીજાનો જન્મ 1991માં ઇરાકના સલાહુદ્દીન રાજ્યના બલાદ જિલ્લામાં થયો હતો. રોઇટર્સના જણાવ્યા અનુસાર, ખાદીજાએ ઇસ્લામિક સ્ટેટ માટે ઇરાકી નેતા તરીકે વ્યાપકપણે કામ કર્યું હતું.
ગુજરાતમાં ગરમી અંગે હવામાન વિભાગે શું કરી આગાહી?
ગુજરાતમાં ઉનાળો જામી ગયો છે. શરુઆતમાં ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ પણ કરી દીધું હતું. જોકે છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સુધી ઘટાડો નોંધાવાની શક્યતા સેવી છે.





