Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 16 February 2025, આજના તાજા સમાચાર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની બેઠકો માટે રવિવારે યોજાયેલ ચૂંટણી મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. ગુજરાતની જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC), 68 નગરપાલિકાઓ અને ત્રણ તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું.
ગુજરાતની પાલિકા-પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન થયું છે. ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનમાં 8 ટકાનો ઘટાડો થયો છે. 2018માં યોજાયેલી 75 નગરપાલિકામાં સરેરાશ 65 ટકા મતદાન થયું હતું. હવે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. 1677 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી, જેમા 4374 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઇવીએમમાં સીલ થઇ ગયું છે. ચૂંટણી પહેલા વિવિધ 66 નગરપાલિકાઓના 461 વોર્ડ પૈકી કુલ 24 બોર્ડ બિનહરિફ જાહેર થયા હતા.
અમેરિકાથી ડિપોર્ટ 8 ગુજરાતીમાં 6 મહેસાણા અને 2 ગાંધીનગરના
અમેરિકાથી શનિવારે ડિપોર્ટ થયેલા 116 ભારતીયો અમૃતસર એરપોર્ટ પર ઉતર્યા હતા. યુએસથી ડિપોર્ટ થયેલા 116 ભારતીયોમાંથી 8 ગુજરાતી છે, જેમને આજે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે. આ 8 ગુજરાતીમાં 6 મહેસાણાના અને 2 ગાંધીનગરના રહેવાસી છે. આ માટે અમદાવાદ એરપોર્ટ પર પોલીસ કાફલા સાથે કડક સુરક્ષા વ્યવસ્થા છે. આ વ્યક્તિઓને કડક સુરક્ષા વચ્ચે પોલીસ તેમના ઘરે પહોંચાડ્યા છે.