Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 18 February 2025, આજના તાજા સમાચાર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. 1 મનપા, 66 નગરપાલિકાની સામાન્ય અને 2 નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીનાં પરિણામમાં ભાજપે જુનાગઢ મનપા સહિત 61 પર, જ્યારે કોંગ્રેસે 1 પર કબજો કર્યો છે. તેમજ કુતિયાણા અને રાણાવવામાં સપાની સત્તા આવી છે અને 1 નગરપાલિકા પર અન્યોએ કબ્જો કર્યો છે.
ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર-3માં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પરાજય થયો છે. જ્યારે જૂનાગઢ મનપાની ચૂંટણીમાં 6 વાર ડે.મેયર રહેલા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે. કુતિયાણા નગરપાલિકાની 24 સીટમાંથી સમાજવાદી પાર્ટીને 14 સીટ મળી છે. જ્યારે ભાજપને 10 સીટ મળી છે. આ ચૂંટણીમાં કાંધલ જાડેજાનો દબદબો યથાવત રહ્યો છે. ઢેલીબેનના એક ચક્રી શાસનનો અંત આવ્યો છે.
પીએમ મોદીએ કહ્યું – વિકાસની રાજનીતિનો ફરી એકવાર વિજય
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના શાનદાર વિજય પછી પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે ગુજરાત અને ભાજપ વચ્ચેનો સંબંધ અતૂટ છે અને તે દિવસે ને દિવસે વધુ મજબૂત થઈ રહ્યો છે. તાજેતરમાં રાજ્યભરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને સમર્થન આપવા બદલ હું ગુજરાતની જનતાનો આભાર માનું છું. હું નતમસ્તક છું કે ગુજરાતના લોકો વારંવાર અમારા પ્રયાસોમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આ વિજય વિકાસની રાજનીતિનો ફરી એકવાર વિજય છે જે અમને જનસેવા માટે વધુ ઊર્જા આપે છે. હું ભાજપના પ્રત્યેક કાર્યકર્તાના જમીની પ્રયાસોની પ્રશંસા કરું છું જેણે આ ઉત્કૃષ્ટ પરિણામમાં મહત્વનો ફાળો આપ્યો છે.
દિલ્હી રેલવે સ્ટેશન ભાગદોડ ઘટનામાં RPF નો મોટો દાવો
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે થયેલી નાસભાગમાં 18 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તે જ સમયે નાસભાગના કારણો પર રેલ્વે પ્રોટેક્શન ફોર્સના અધિકારી દ્વારા તૈયાર કરવામાં આવેલા તપાસ રિપોર્ટ અનુસાર નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોના મોતનું કારણ પ્રયાગરાજ જતી કુંભ સ્પેશિયલ ટ્રેનના પ્લેટફોર્મમાં ફેરફારની જાહેરાત હતી.
માહિતી અનુસાર, અધિકારીએ 16 ફેબ્રુઆરીએ દિલ્હી ઝોનના તેમના વરિષ્ઠ અધિકારીઓને સુપરત કરેલા અહેવાલમાં લખ્યું હતું કે, “રાત્રે લગભગ 8.45 વાગ્યે, પ્રયાગરાજ જતી કુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 12 પરથી રવાના થવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ થોડા સમય પછી બીજી જાહેરાત કરવામાં આવી હતી કે કુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 16 પરથી રવાના થશે, જેના કારણે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.”





