Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 20 March 2025, આજના તાજા સમાચાર: બિહારના ભાગલપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયના ભત્રીજાનું ગોળી વાગવાથી મોત થયું છે. આ મામલો ભાગલપુરના નવગચિયાનો છે. અહીં બંને ભાઈઓ વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એકનું મોત થયું હતું અને બે ઘાયલ થયા હતા. મૃતકની ઓળખ વિશ્વજીત તરીકે થઈ છે.
13 મહિના બાદ શંભુ અને ખનૌરી બોર્ડર ખાલી, અનેક ખેડૂત આગેવાનોની અટકાયત
પંજાબ પોલીસે બુધવારે ખેડૂત કાર્યકર્તા જગજીત સિંહ દલ્લેવાલ અને કિસાન મજદૂર મોરચાના પ્રમુખ સર્વન સિંહ પંઢેરની સાથે મોહાલીમાં ઉપવાસ કરી રહેલા અન્ય અગ્રણી આંદોલનકારીઓની અટકાયત કરી હતી. આ દરમિયાન ખેડૂતો અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ થયું જ્યારે ખેડૂતો ખનૌરી અને શંભુ બોર્ડર પોઈન્ટ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 13 ફેબ્રુઆરી 2024થી આ બંને સ્થળો પર ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા. માહિતી અનુસાર, શંભુ અને ખનૌરી બંને જગ્યાએ લગભગ 3000 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
ખેડૂતો અને પોલીસ વચ્ચેની અથડામણ બાદ ખનૌરી બોર્ડર અને સંગરુર અને પટિયાલા જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ સિવાય પંજાબના ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં ત્રણ દિવસ બાદ પડશે કાળઝાર ગરમી
માર્ચ મહિનો અંત તરફ જઈ રહ્યો છે સાથે સાથે ગરમી પણ ધીમે ધીમે વધશે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના વાતાવરણમાં મોટો કોઈ ફેરફાર જોવા નહીં મળે એમ હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે, ત્રણ દિવસ બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થશે. એટલે કે રાજ્યમાં તાપમાન ફરી 40 ડિગ્રીને પાર થઈ શકે છે.





