Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 21 February 2025, આજના તાજા સમાચાર: સુપ્રીમ કોર્ટે હાલમાં જ કહ્યું હતું કે મહિલાનો પતિ અને સાસરિયા દહેજ માંગતા નથી પરંતુ હિંસા અને ટોર્ચર કરે છે તો પણ તેમની સામે કલમ 498A હેઠળ કાર્યવાહી થઈ શકે છે. સામાન્ય ધારણા એ છે કે આ કાયદો મહિલાઓને દહેજ સતામણીના કેસોથી બચાવવા માટે છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી મહત્વની છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે દહેજની માંગ પર કલમ 498A લાગુ પડે છે અને જો દહેજની માંગ કરવામાં ન આવે તો આવા કિસ્સામાં મહિલાના પતિ અને પરિવારને બચાવી શકાય છે. જોકે સુપ્રીમ કોર્ટે આ વિષય પર સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું કે કલમ 498Aનો હેતુ માત્ર દહેજની માંગ કરતી વખતે ઉત્પીડનથી બચાવવાનો નથી. તેનો ઉદ્દેશ્ય મહિલાઓને ઘરેલુ શોષણ, હિંસા અને અત્યાચારથી બચાવવાનો છે.
કચ્છમાં ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે કસ્માત, પાંચના મોત
કચ્છમાંથી દુઃખદ સમાચાર મળી રહ્યા છે. કચ્છના ભુજ મુદ્રા રોડ ઉપર આજે શુક્રવારે સવારે કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે ચાર જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતના પગલે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથધરી હતી.
હાથરસ ભાગદોડમાં બોલેબાબાને ક્લીન ચીટ, પોલીસની બેદરકારી
હાથરસ નાસભાગ કેસમાં ભોલે બાબાને ક્લીનચીટ આપવામાં આવી છે, જે તપાસ હાથ ધરવામાં આવી છે તેમાં પોલીસ બેદરકારીનો આરોપ છે. આ દુર્ઘટનામાં 121 લોકોના દુઃખદ મૃત્યુ થયા, એક નાસભાગ કે જેણે ઘણા પરિવારોને કાયમ માટે ઉથલાવી દીધા. હવે આ મામલે પહેલા કહેવામાં આવ્યું હતું કે ભોલે બાબાની પણ ભૂલ હતી, તેમના કાર્યક્રમમાં જરૂર કરતાં વધુ ભીડ આવી હતી.
પરંતુ હવે તપાસ ટીમે તેને ક્લીનચીટ આપીને મોટી રાહત આપી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે સૌથી મોટી ભૂલ પોલીસની હતી, તેમની બેદરકારીને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. ન્યાયિક પંચે સ્વીકાર્યું હતું કે તે ઘટના દરમિયાન સુરક્ષાના ધોરણોનું પાલન કરવામાં આવ્યું ન હતું, અરાજકતા અને ગેરવહીવટ સ્પષ્ટપણે દેખાય છે. પોલીસ અંગે જણાવાયું હતું કે, તેઓ પોતાની જવાબદારીને ગંભીરતાથી લેતા નથી, જો ભીડને યોગ્ય રીતે કાબૂમાં લેવામાં આવી હોત તો આવી દુર્ઘટના ન બની હોત તે વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
તેલ અવીવ સતત ત્રણ વિસ્ફોટોથી હચમચી ગયું હતું, બસોને નિશાન બનાવાઈ
ઈઝરાયેલની રાજધાની તેલ અવીવમાં ત્રણ વિસ્ફોટ થયા છે. ઈઝરાયેલે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. આ વિસ્ફોટ એવા સમયે થયો હતો જ્યારે યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસ દ્વારા ગાઝામાં ચાર બંધકોના મૃતદેહો પરત કરવામાં આવ્યા હતા. આનાથી ઈઝરાયેલ ઘણું દુઃખી છે.
ઇઝરાયેલી પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અન્ય બે બસોમાં વિસ્ફોટકો મળી આવ્યા હતા, પરંતુ તે ફૂટ્યા ન હતા. ઇઝરાયેલ પોલીસે જણાવ્યું હતું કે પાંચેય બોમ્બ સરખા હતા અને ટાઇમરથી સજ્જ હતા. તેમણે કહ્યું કે બે બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. તેલ અવીવમાં આ ઘટનાને પગલે રેલ અને બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં
ગુજરાતમાં શિયાળો અંતના આરે આવીને ઊભો છે ત્યારે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળતો નથી. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 15.2 ડિગ્રીથી લઈને 23 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં કોઈ મોટો ફેરફાર ન થતાં લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે 15.2 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે કેશોદ રાજ્યનું ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 23 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.





