Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 21 May 2025, આજના તાજા સમાચાર: દિલ્હી-એનસીઆરમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો. વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પહેલેથી જ આગાહી કરી હતી કે રાજધાનીમાં વરસાદ પડી શકે છે. વરસાદના કારણે એકાએક તાપમાનમાં ઘટાડો થયો છે. કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ઉખડી ગયા છે. થોડા દિવસ પહેલા દિલ્હી-એનસીઆરમાં પણ આવો જ ભારે વરસાદ થયો હતો, વાવાઝોડાના કારણે નુકસાન પણ જોવા મળ્યું હતું. લોકોને ગરમીથી રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત ગરમીના કારણે દિલ્હીની જનતા પરેશાન હતી, હવે ગરમીમાં થોડી રાહત મળી છે.
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ-2નો બીજો દિવસ
અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં બંધાયેલા ગેરકાયદે બાંધકામો સામે તંત્રએ લાલ આંખ કરી છે. અને પહેલા ફેઝ બાદ હવે ડિમોલિશનનો બીજો ફેઝ ચાલું થયો છે. સોમવારે 20 મેના રોજ તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 8500 જેટલા મકાનો ધ્વસ્ત કર્યા હતા. આજે 21 મે, બુધવારના દિવસે ડિમોલિશનનો બીજો દિવસ ચાલું થયો છે.
દુનિયાભરમાં પાકિસ્તાનને ઘેરવાની તૈયારીઓ, 3 ભારતીય પ્રતિનિધિમંડળ રવાના થશે
ભારત સરકારે પાકિસ્તાનના આતંકવાદ અને ઓપરેશન સિંદૂર વિશે દુનિયાને માહિતગાર કરવાનો નિર્ણય લીધો છે. આ માટે, ભારતના તમામ પક્ષોના 51 નેતાઓ અને 85 રાજદૂતો, 7 પ્રતિનિધિમંડળોને 32 અલગ-અલગ દેશોમાં મોકલવામાં આવી રહ્યા છે. આ પ્રતિનિધિમંડળ જણાવશે કે પાકિસ્તાન આતંકવાદને કેવી રીતે પોષે છે અને ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના આ આતંકવાદ પર કેવી રીતે હુમલો કર્યો. આ 7 પ્રતિનિધિમંડળોમાંથી 2, બુધવાર, 21 મે ના રોજ વિદેશ જવા રવાના થઈ રહ્યા છે.
JDU ના કાર્યકારી પ્રમુખ સંજય ઝાના નેતૃત્વમાં પહેલું પ્રતિનિધિમંડળ જાપાન જશે. પ્રતિનિધિમંડળમાં બીજેપી સાંસદ અપરાજિતા સારંગી, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી, બીજેપી સાંસદ બ્રિજલાલ, સીપીઆઈ સાંસદ ડૉ જોન બ્રિટાસ, બીજેપી સાંસદ પ્રદાન બરુઆ, બીજેપી સાંસદ હેમાંગ જોશી, કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદ અને રાજદૂત મોહન કુમાર સામેલ છે. આ પ્રતિનિધિમંડળ જાપાન, ઇન્ડોનેશિયા, મલેશિયા, દક્ષિણ કોરિયા અને સિંગાપોરની મુલાકાત લેશે.





