Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 28 February 2025, આજના તાજા સમાચાર: તેલંગાણાના નાગરકુર્નૂલમાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC)ના નિર્માણાધીન વિભાગનો એક ભાગ તૂટી પડયા બાદ છેલ્લા 6 દિવસથી ટનલમાં ફસાયેલા 8 લોકોને બચાવવાની કામગીરીમાં રોકાયેલી બચાવ ટીમમાં દક્ષિણ મધ્ય રેલવે હવે જોડાઈ છે. શુક્રવારે આ માહિતી આપતાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ મધ્ય રેલવેએ બચાવ કામગીરી માટે જરૂરી સાધનો પણ પૂરા પાડ્યા છે.
દક્ષિણ મધ્ય રેલવે (SCR)ના મુખ્ય જનસંપર્ક અધિકારી એ. શ્રીધરે માહિતી આપી હતી કે રેલવે પાસે ‘પ્લાઝમા કટર’ અને ‘બ્રોકો કટિંગ મશીન’ જેવા સાધનોનો ઉપયોગ કરીને ભારે ધાતુઓ કાપવાની કુશળતા છે. એ. શ્રીધરે પીટીઆઈને જણાવ્યું હતું કે, “નાગરકુર્નૂલ જિલ્લા મેજિસ્ટ્રેટે બચાવ કામગીરીમાં અવરોધ ઉભો કરી રહેલા લોખંડ અને સ્ટીલના કાટમાળને દૂર કરીને બચાવ કામગીરીમાં દક્ષિણ મધ્ય રેલવેની મદદ માંગી છે.”
ત્રીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી 6.2 ટકા રહ્યો
કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 25 ના ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા જાહેર કર્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતનો વિકાસ દર 6.2 ટકા રહ્યો છે, જે 6.3 ટકાના અંદાજ કરતાં થોડો ઓછો હતો. તમને જણાવી દઈએ કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં વિકાસ દર 5.6% હતો. શુક્રવારે નવા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. આ ત્રીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ 6.3% ના અંદાજ કરતાં થોડી ઓછી હતી, પરંતુ આખા વર્ષનો વૃદ્ધિ દર 6.5% જાળવવામાં મદદ મળી છે. બીજા ક્વાર્ટરમાં ભારતનો વિકાસ દર 5.6% પર પહોંચી ગયો, જે લગભગ બે વર્ષમાં સૌથી નીચો છે. સરકારે અગાઉના અંદાજમાં 6.4% વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો.
નેપાળ અને પાકિસ્તાનમાં ભૂકંપ, બિહારમાં પણ અસર
નેપાળ અને પાકિસ્તાનમાં થોડા જ કલાકોમાં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ગુરુવાર-શુક્રવારની મધ્યરાત્રિ પછી નેપાળમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા 5.5 માપવામાં આવી હતી, જેનું કેન્દ્ર જમીનથી 10 કિમી નીચે હતું. નેપાળ ઉપરાંત ભારતના બિહારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો ગભરાઈને ઘરની બહાર આવી ગયા હતા. જો કે હજુ સુધી કોઈ મોટું નુકસાન થયું નથી.
નેપાળ બાદ શુક્રવારે સવારે પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા હતા. અહીં ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી, જેના કારણે ઘણા વિસ્તારોમાં હલચલ જોવા મળી હતી. ગુરુવારે વહેલી સવારે આસામના મોરીગાંવમાં 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ 16 કિલોમીટરની ઉંડાઈએ હતું. તે જ સમયે, બુધવારે સાંજે લદ્દાખમાં 3.5ની તીવ્રતાના હળવા આંચકા પણ અનુભવાયા હતા. રાહતની વાત એ છે કે કોઈપણ જગ્યાએ જાનમાલના નુકસાનના સમાચાર નથી.





