Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 3 June 2025, આજના તાજા સમાચાર: પંજાબ પોલીસે પાકિસ્તાન સરહદને અડીને આવેલા તરનતારન જિલ્લામાંથી એક વ્યક્તિની પાકિસ્તાની ગુપ્તચર અધિકારી સાથે સૈન્ય ગતિવિધિઓ સંબંધિત સંવેદનશીલ માહિતી શેર કરવા બદલ ધરપકડ કરી છે. પંજાબ પોલીસે આ વ્યક્તિ પાસેથી એક મોબાઇલ ફોન જપ્ત કર્યો છે, જેમાં પાકિસ્તાની ગુપ્તચર અધિકારી સાથે શેર કરેલી માહિતી પણ છે.
પોલીસે જણાવ્યું હતું કે આરોપી ISI ના સંપર્કમાં હતો અને તેને સંવેદનશીલ માહિતી આપવાના બદલામાં પૈસા પણ મળ્યા છે. પંજાબ પોલીસના DGP ગૌરવ યાદવે સમાચાર એજન્સી PTI ને જણાવ્યું હતું કે આરોપીની ઓળખ ગગનદીપ સિંહ ઉર્ફે ગગન તરીકે થઈ છે. તે તરનતારનના મોહલ્લા રોડુપુર, ગલી નજર સિંહ વાલીનો રહેવાસી છે. તરનતારન પોલીસ અને પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્સ વિંગના સંયુક્ત ઓપરેશનમાં તેની ધરપકડ કરવામાં આવી છે.
ઓપરેશન સિંદૂરઃ 16 પાર્ટીઓએ પીએમ નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર, સંસદના વિશેષ સત્રની માંગ
ઓપરેશન સિંદૂર પર ચર્ચાને લઈને દેશના 16 રાજકીય પક્ષોએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ તમામ પાર્ટીઓએ પીએમ નરેન્દ્ર મોદીને સંસદનું વિશેષ સત્ર બોલાવવા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવાની માંગ કરી છે. દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં તૃણમુલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયને કહ્યું હતું કે 16 પાર્ટીઓએ વડાપ્રધાનને પત્ર લખીને સંસદના વિશેષ સત્રની માંગ કરી છે. સરકાર સંસદ પ્રત્યે જવાબદાર છે, સંસદ લોકો માટે જવાબદાર છે. આ પક્ષોમાં કોંગ્રેસ, સપા, તૃણમુલ કોંગ્રેસ, ડીએમકે, શિવસેના (યુબીટી), આરજેડી, જેકેએનસી, સીપીઆઇ (એમ), આઇયુએમએલ, સીપીઆઇ, આરએસપી, જેએમએમ, વીસીકે, કેરળ કોંગ્રેસ, એમડીએમકે, સીપીઆઇ (એમએલ) લિબરેશનનો સમાવેશ થાય છે.
નેતન્યાહૂ ‘વોન્ટેડ’, દિલ્હીમાં ઇઝરાયલી વડા પ્રધાનના પોસ્ટર લાગ્યા
એક વિદેશી દૂતાવાસના કર્મચારીએ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના ‘વોન્ટેડ’ પોસ્ટર લગાવ્યા હતા, જેના પછી દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો. મળતી માહિતી મુજબ, પશ્ચિમ યુરોપિયન દેશના દૂતાવાસમાં કામ કરતા એક વિદેશી નાગરિકે રાજધાનીના ચાણક્યપુરી વિસ્તારમાં ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના ચિત્રવાળા પોસ્ટર લગાવ્યા હતા, જેમાં ‘વોન્ટેડ’ શબ્દ લખેલો હતો.
દિલ્હી પોલીસ મુખ્યાલયના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે 29 મેના રોજ સવારે 7.30 વાગ્યે જ્યારે ચાણક્યપુરી પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ વીજળીના થાંભલા પર આવા બે પોસ્ટર જોયા ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. આમાંથી એક પોસ્ટર માલચા માર્ગ પર કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલ પાસે અને બીજું અમેરિકન એમ્બેસી સ્કૂલ પાસે લગાવવામાં આવ્યું હતું. અધિકારીએ કહ્યું, “તેમણે તેમના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી અને પોસ્ટર હટાવવાનું કહેવામાં આવ્યું હતું.”





