Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 3 May 2025, આજના તાજા સમાચાર: પાકિસ્તાન દ્વારા સતત નવમા દિવસે LoC પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાને કુપવાડા, ઉરી અને અખનૂર સહિત નિયંત્રણ રેખા પર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો. ભારતીય સેનાએ કહ્યું કે પાકિસ્તાની સેનાને યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે.
ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર ત્રિપલ અકસ્માત, 4 લોકોના મોત
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર હિંગટીયા પાસે શનિવારે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એસટી બસ, જીપ અને બાઈક વચ્ચે થયેલા આ ત્રિપલ અકસ્માતમાં એક બાળકી સહિત ચાર લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે નવ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પાકિસ્તાની PM શાહબાઝ શરીફની યુટ્યુબ ચેનલ અને મંત્રી તરારનું X એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધ
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ છે. આ દરમિયાન, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની યુટ્યુબ ચેનલ ભારતમાં બ્લોક કરવામાં આવી છે. બ્લોક કરેલી યુટ્યુબ ચેનલ પર હવે એક સંદેશ દેખાય છે – રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા સંબંધિત સરકારી આદેશોને કારણે આ સામગ્રી હાલમાં આ દેશમાં ઉપલબ્ધ નથી.
તે જ સમયે, પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારનું X એકાઉન્ટ ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે. આ સાથે, તરારનો પ્રોફાઇલ પિક્ચર અને કવર ઇમેજ પણ ગાયબ થઈ ગયો છે. બુધવારે મોડી રાત્રે એક પ્રેસ કોન્ફરન્સમાં તરારે દાવો કર્યો હતો કે પાકિસ્તાન પાસે “નક્કર ગુપ્ત માહિતી” છે કે 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના આધારે ભારત આગામી 24 થી 36 કલાકમાં પાકિસ્તાન પર લશ્કરી હુમલો કરી શકે છે.





