Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 5 May 2025, આજના તાજા સમાચાર: રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં ગોંડલ રોડ ઉપર કોરાટ ચોક નજીક જનોઈ પ્રસંગમાં હાજરી આપીને બે એક્ટિવા પર પરત ઘરે જતાં પરિવારને ટ્રક ચાલકે અડફેટે લીધા હતા. જેના પગલે સાસુ વહુનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પિતા પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પાકિસ્તાને સતત 11મા દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, ભારતે આપ્યો જડબાતોડ જવાબ
પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન માટે આકરું વલણ અપનાવ્યા બાદ પાકિસ્તાન સ્તબ્ધ બની ગયું છે અને ત્યારથી પોતાની અવળચંડાઈ દેખાડવાનું પણ શરું કરી દીધું છે. પાકિસ્તાન એલઓસી પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે.
ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, “4-5 મે 2025 ની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, પૂંછ, રાજૌરી, મેંધાર, નૌશેરા, સુંદરબની અને અખનૂરની આસપાસના વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર કરીને નાના હથિયારોથી ગોળીબાર શરૂ કર્યો હતો. ભારતીય સેનાએ તાત્કાલિક અને યોગ્ય રીતે જવાબ આપ્યો હતો.”
ઉલ્લેખનીય છે કે ભારતે પાકિસ્તાનથી ઉદ્ભવતા અથવા નિકાસ થતા તમામ માલના પ્રત્યક્ષ કે પરોક્ષ આયાત અને પરિવહન પર તાત્કાલિક અને વ્યાપક પ્રતિબંધ લાદ્યો છે, જેનાથી દ્વિપક્ષીય વેપાર અસરકારક રીતે ઠપ્પ થઈ ગયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શનિવારે એક ગેઝેટ સૂચના દ્વારા આ નિર્ણયની જાહેરાત કરી, જેમાં આ પગલાને યોગ્ય ઠેરવવા માટે વિદેશી વેપાર (વિકાસ અને નિયમન) અધિનિયમ, 1992 અને વિદેશી વેપાર નીતિ 2025 ની જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો.





