Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 6 March 2025, આજના તાજા સમાચાર: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં એક મગફળીના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી છે. આગ લાગવાન કારણે કરોડો રૂપિયાની મગફળી બળીને ખાખ થઇ ગઇ છે. પ્રાથમિક માહિતી મુજબ મગફળીની ટેકાના ભાવે ખરીદી કર્યા બાદ એફસીઆઈ ગોડાઉનમાં રાખવામાં આવી હતી. આગ લાદવાના કારણે 50000 કિલો મગફળી બળીને ખાખ થઇ ગઇ હોવાનો પ્રાથમિક અંદાજ છે. આગ લાગતા થાનગઢ અને ચોટીલાની ફાયરબ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી કરી રહ્યા છે.
મોહમ્મદ શમીના બાળપણના કોચ બદરુદ્દીન સિદ્દીકી શમીના સમર્થનમાં આવ્યા
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના બાળપણના કોચ બદરુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે દેશથી વધુ મહત્વનું કંઈ નથી. શમીએ જે કંઈ કર્યું તે બિલકુલ બરાબર હતું અને તેને આ બાબતો પર ધ્યાન આપવાની જરૂર નથી. તેણે ફાઇનલ મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને આ બધી બાબતો ભૂલી જવી જોઈએ. તેણે કોઈ ગુનો કર્યો નથી, તેણે આ બધું દેશ માટે કર્યું છે. હું દરેકને વિનંતી કરું છું કે આવી વાતો ન કહે અને આખી ટીમ સાથે ઉભા રહો અને તેમને સપોર્ટ કરો.
ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર અકસ્માત, 3 લોકોના મોત
ગુજરાતમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હરિપર બ્રિજ નજીક કાર ટ્રકની પાછળ અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત થયા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બબ્બર ખાલસાનો આતંકવાદી લાજર મસીહ પંજાબમાંથી પકડાયો, હથિયાર અને વિસ્ફોટક સામગ્રી જપ્ત
બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) અને ISI મોડ્યૂલના સક્રિય આતંકવાદી પંજાબના અમૃતસર નિવાસી લાજર સમીહને આજે સવારે ઉત્તર પ્રદેશ STF અને પંજાબ પોલીસે સંયુક્ત અભિયાનમાં પકડી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ પકડાયેલો આતંકવાદી બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના જર્મન આધારિત મોડ્યૂલના પ્રમુખ સ્વર્ણ સિંહ ઉર્ફ જીવન ફૌજી માટે કામ કરે છે અને પાકિસ્તાન સ્થિત આઇએસઆઇ જૂથ સાથે સીધા સંપર્કમાં છે. 3 જીવતા હેન્ડ ગ્રેનેડ, 2 ડેટોનેટર, 13 કારતૂસ અને 1 વિદેશી પિસ્તોલ સહિત ઘણા હથિયાર અને વિસ્ફોટક સામગ્રીનો જથ્થો મળ્યો છે.
ઉત્તર ભારત થી ગુજરાત સુધી શીત લહેર
જમ્મુ કાશ્મીરમાં હિમ વર્ષાથી ઉત્તર ભારત થી ગુજરાત સુધી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગના મતે ઠંડી હવાથી છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારત અને પશ્ચિમ મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 5 ડિગ્રી સેલ્શિયસનો ઘટાડો નોંધાયો છે.
ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફુંકાશે
હવમાન વિભાગે ગુજરાતના દરિયા કિનારે 45 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાતા પવનની ઝડપ 55 કિમી સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરી છે. આથી માછીમારો અને લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા ચેતવણી આપી છે. IMDના મતે દિલ્હી એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં ફરી ઠંડીનો ચમકારો થયો છે અને આગામી 2 દિવસ સુધી ઠંડા પવનનો અનુભવ થશે.





